ભારત અને ચીન વચ્ચે લશ્કરી મડાગાંઠ હોવા છતાં બંને દેશો વચ્ચેનો વેપાર નવેમ્બરમાં 100 બિલિયન ડોલરને વટાવી ગયો છે.ભારત અને ચીન વચ્ચે લાંબા સમયથી તંગદિલી છે. સરકારે ચીનના સંખ્યાબંધ એપ્સ પર પ્રતિબંધ મૂક્યો છે આમ છતાં બંને દેશો વચ્ચેનો વેપાર નવેમ્બરમાં 100 અબજ ડોલરના વિક્રમ સ્તરે પહોંચ્યો હતો. ચાઇનીઝ જનરલ એડમિનિસ્ટ્રેશન ઓફ કસ્ટમ્સના તાજેતરના ડેટા ટાંકીને ગ્લોબલ ટાઇમ્સે જણાવ્યું હતું કે ભારતના નેતાઓના જે કોઇ રાજકીય ઇરાદા હોય પરંતુ ભારત પાસે ચીનને દુશ્મન ગણવાનો કોઇ વિકલ્પ નથી અને દુશ્મન ગણવાનું ભારતને પોસાય પણ નહીં. બંને દેશો વચ્ચે સહકારમાં વધુ વધારો યોગ્ય પસંદગી છે.
અહેવાલમાં જણાવ્યા અનુસાર ભારત લાંબા સમયથી ચીન સાથેની વેપાર ખાધમાં ઘટાડો કરવાની આશા રાખે છે, પરંતુ ચીનની આયાત પર નિયંત્રણો લાદીને ભારત વેપારને વધુ સંતુલિત બનાવી શકશે નહીં. આવા નિયંત્રણોથી માત્ર ભારતના અર્થતંત્રને નુકસાન થશે. ચીનમાં નિકાસમાં વધારો યોગ્ય માર્ગ છે અને આ સંદર્ભમાં બંને દેશો વચ્ચે સહકારમાં વધારો કરવાનો અવકાશ છે અને તે સંયુક્ત પ્રયાસો હોવા જોઇએ.