ભારતના જાણીતા ઓપનિંગ બેટ્સમેન અને ઉત્તર પ્રદેશના કેબિનેટ મંત્રી ચેેતન ચૌહાણનું ૭૩ વર્ષની વયે કોરોના મહામારી સામેના સંઘર્ષ બાદ અવસાન થયું હતુ. કોરોનાનો ચેપ લાગતાં તેઓ ૧૨મી જુલાઈથી હોસ્પિટલમાં દાખલ હતા અને છેલ્લા ૩૬ કલાકથી તેઓને લાઈફ સપોર્ટ પર રાખવામાં આવ્યા હતા.
ગાવસ્કરના ઓપનિંગ જોડીદાર તરીકેની સુદીર્ઘ કારકિર્દી ધરાવતા ચેતન ચૌહાણ ઈ.સ. ૧૯૬૯ થી લઈને ૧૯૮૧ સુધી ૪૦ ટેસ્ટ અને ૭ વન ડે રમ્યા હતા. તેઓ એક પણ સદી ન ફટકારી શકનારા જાણીતા ક્રિકેટરોમાં સ્થાન ધરાવે છે. ઉત્તર પ્રદેશ સરકારમાં તેઓ સૈનિક વેલ્ફેર, હોમગાર્ડ્સ અને સિવિલ સિક્યોરિટી વિભાગ સંભાળી રહ્યા હતા. તેઓ તેમની પાછળ પત્ની અને પુત્ર વિનાયકને વિલાપ કરતાં છોડી ગયા છે.
ઉત્તર પ્રદેશ સરકારે કોરોનાના કારણે બીજા મંત્રી ગુમાવ્યા છે. અગાઉ તારીખ બે ઓગસ્ટે રાજ્યના તકનિકી શિક્ષણ મંત્રી કમલા રાની વરૃણનું ૬૨ વર્ષની વયેે કોરોનાના કારણે અવસાન થયું હતુ. નોંધપાત્ર છે કે, તેઓને તારીખ ૧૨મી જુલાઈએ લખનઉની સંજય ગાંધી હોસ્પિટલમાં કોરોનાના સંક્રમણ બાદ દાખલ કરવામાં આવ્યા હતા. જે પછી તેમની તબિયત લથડતાં તેમને ગુરુગ્રામની મેદાંતા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ઉપરાષ્ટ્રપતિ વેકૈયા નાયડુ, વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ગૃહમંત્રી અમિત શાહ, ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ સહિતના અગ્રણીઓએ તેમને શ્રદ્ધાજલી પાઠવી હતી.
ચેતન ચૌહાણ ઈ.સ.૧૯૭૮માં તેઓ પાકિસ્તાન સામેની લાહોર ટેસ્ટમાં માત્ર સાત રન માટે સદી ચૂક્યા હતા. જે પછી ઈ.સ. ૧૯૮૧માં ઓસ્ટ્રેલિયા સામેની એડીલેડ ટેસ્ટમાં માત્ર ત્રણ રન માટે સદી ચૂક્યા હતા. આ પછી ક્યારેય તેઓ ૯૦ના સ્કોર સુધી પણ પહોંચી શક્યા નહતા. તેમના નામે ૧૬ અડધી સદી નોંધાયેલી છે. બીસીસીઆઈ પ્રમુખ સૌરવ ગાંગુલી તેમજ લેજન્ડરી ઓપનર સુનિલ ગાવસ્કર સહિતના ક્રિકેટ જગતે પણ તેમને શોકાંજલી પાઠવી હતી.