રવિવારે 26 જાન્યુઆરીએ ભારતનો 71મો પ્રજાસત્તાક દિન હર્ષોલ્લાસ સાથે ઉજવાઈ ગયો. ભારતની સાથે અમેરિકા તથા બ્રિટન સહિતના દેશોમાં રહેતાં ભારતીયોએ પણ પ્રજાસત્તાક દિવસની ઉજવણી કરી હતી. ભારતમાં રાષ્ટ્રીય કક્ષાની મુખ્ય ઉજવણી દિલ્હીમાં અને ગુજરાતમાં રાજ્યકક્ષાની ઉજવણી રાજકોટમાં કરાઇ હતી.
દિલ્હીમાં રાજપથ ખાતે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદના નેતૃત્ત્વમાં ધ્વજવંદન થયું હતું. તેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી, પ્રધાનમંડળના સભ્યો, વિરોધ પક્ષના અગ્રણીઓ તેમજ અન્ય હસ્તીઓ ઉપસ્થિત રહી હતી. બ્રાઝિલના પ્રેસિડેન્ટ ઝયેર મેસિયાસ બોલસોનેરો આ વખતે ઉજવણીના મુખ્ય મહેમાન હતા.
પ્રજાસત્તાક દિનની પરેડ આ ઉજવણીનું મુખ્ય આકર્ષણ હતું. આ પરેડમાં ભારતના લશ્કરનાં અપ્રતિમ શૌર્ય સહિતનું યુદ્ધકૌશલ્ય રજૂ થયું હતું. ભારતીય લશ્કરે અદ્યતન મિસાઇલો, ટેન્કો, યુદ્ધ વિમાનો વગેરેનું પ્રદર્શન કર્યું હતું. એ જોઇને સર્વ ભારતીયોએ ગર્વ અનુભવ્યો હતો. પરેડમાં લશ્કરે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદને સલામી આપી હતી.
રાજપથ પર પરેડ દરમિયાન ભારતીય સૈન્યની બેટલ ટેન્ક ટી -90 ભીષ્મે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદને સલામી આપી હતી. ભીષ્મ ટેંકનો કમાન્ડ 86 આર્મર્ડ રેજિમેન્ટના કેપ્ટન સની ચહરના હાથમાં હતો.
પરેડ દરમિયાન હેલિકોપ્ટર્સ રુદ્ર અને ધ્રુવ જોવા માટે બધાની નજર આકાશ પર મંડાયેલી હતી. જેમણે અહીં 71માં પ્રજાસત્તાક દિનની ઉજવણી પ્રસંગે હીરાના રૂપમાં ફ્લાય-પાસ્ટનું પ્રદર્શન કર્યું હતું. હેલિકોપ્ટરો આકાશમાં ‘વાય’ આકારમાં ઉડ્યા હતા.
આ ઉપરાંત, અનેક રાજ્યોના ટેબ્લો પણ પરેડમાં સામેલ હતા. તો સીએએ સહિતના વિવાદોના કારણે સુરક્ષાની સ્થિતિ પડકારજનક હોવાના પગલે પાટનગર નવી દિલ્હી સહિત સમગ્ર દેશમાં સીક્યુરીટી પણ હાઈ એલર્ટની સ્થિતિમાં હતી.
રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે પ્રજાસત્તાક દિવસની પૂર્વ સંધ્યાએ શનિવારે રાષ્ટ્રજોગ સંબોધનમાં લોકોને શાંતિ જાળવવા અને અહિંસાનો માર્ગ નહીં ત્યજવા અનુરોધ કર્યો હતો. હિંસાથી કોઈ સમસ્યાનો ઉકેલ નહીં આવતો હોવાનું તેઓએ જણાવ્યું હતું.