વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ મંગળવારે નવી દિલ્હીમાં વિડિયો કોન્ફરન્સિંગ દ્વારા ફ્રાન્સના પ્રેસિડન્ટ ઇમેન્યુઅલ મેક્રોન સાથે વાતચીત કરી. (ANI ફોટો) (ANI Photo)

એર ઇન્ડિયા અને એરબસના 250 વિમાનની ખરીદી અંગેના સોદાની જાહેરાત માટેની નેતાઓની વર્ચ્યુઅલ બેઠક દરમિયાન ફ્રાન્સના પ્રેસિડન્ટ ઈમેન્યુઅલ મેક્રોને મંગળવારે જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભારત યુક્રેન યુદ્ધના ગંભીર મુદ્દાના ઉકેલ માટે સમગ્ર વિશ્વને એકજૂથ કરી શકે છે. અમે યુક્રેન સામે રશિયન આક્રમણ સાથેના મુશ્કેલ સંદર્ભમાં ભારતના G-20 પ્રેસિડન્સીની સફળતા માટે કામગીરી કરી રહ્યા છીએ. તમારા નેતૃત્વ હેઠળ ભારત સ્પષ્ટપણે સમગ્ર વિશ્વને એકજૂથ કરી શકે છે અને આપણી સામેની ગંભીર સમસ્યાને ઉકેલવામાં અમારી મદદ કરી શકે છે.

યુક્રેનમાં સૈન્ય કાર્યવાહી બદલ ભારતે સાર્વજનિક રીતે રશિયાની ટીકા કરી નથી, પરંતુ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગયા વર્ષે રશિયન પ્રમુખ વ્લાદિમીર પુતિનને કહ્યું હતું કે “આજનો યુગ યુદ્ધનો નથી”. ગયા વર્ષે સમરકંદમાં પુતિન સાથેની મુલાકાત દરમિયાન મોદીની આ જાહેર ટિપ્પણીઓને વિશ્વના નેતાઓએ આવકારી હતી અને ઈન્ડોનેશિયામાં G-20ના ઘોષણાપત્રમાં પણ તેનો ઉલ્લેખ જોવા મળ્યો હતો.

મેક્રોને જણાવ્યું હતું કે 250 વિમાનની ખરીદી માટે એરબસ સાથે એર ઇન્ડિયાનો સોદો ભારત અને ફ્રાન્સ વચ્ચેની ઊંડાણપૂર્વકની વ્યૂહાત્મક તથા મૈત્રીપૂર્ણ ભાગીદારીનો એક સીમાચિહ્નરૂપ છે. આ સિદ્ધિ દર્શાવે છે કે સેફ્રાન સહિત એરબસ અને તેના ભાગીદારો ભારત સાથે સહકારના નવા ક્ષેત્રો વિકસાવવા માટે સંપૂર્ણપણે પ્રતિબદ્ધ છે અને અમે ભારત સાથે અવકાશથી સાયબર, સંરક્ષણથી સંસ્કૃતિ, સ્વાસ્થ્ય સુધીના ક્ષેત્રોની વિશાળ શ્રેણીમાં ઘણું હાંસલ કર્યું છે.

 

LEAVE A REPLY