હાઉસ ઓફ કોમન્સમાં ભારતમાં સિટિઝનશિપ એમેન્ડમેન્ટ એક્ટ (સીએએ)ને લગતી હાલની હિંસા પર ગયા સપ્તાહે વિપક્ષ લેબર પાર્ટીના પાકિસ્તાની મૂળના સાંસદ ખાલિદ મહમૂદે રજૂ કરેલા પ્રશ્નના જવાબમાં બ્રિટનના વિદેશ તથા રાષ્ટ્રમંડળ કાર્યાલય (એફસીઓ)ના રાજ્યમંત્રી નિજેલ એડમ્સે કહ્યું કે, બ્રિટનના માનવાધિકારો સહિત તમામ સ્તરો પર ભારત સાથે મંત્રણા કરી રહ્યા છે.
એડમ્સે કહ્યું કે, બ્રિટન સરકાર કાયદોના સંભવિત પ્રભાવ અંગે ચિંતિત છે. મંત્રીએ કહ્યું કે, ભારત સરકારની સાથે અમારા ગાઢ સબંધોને કારણે અમે તેમની સાથે આ મુશ્કેલ મુદ્દા પર ચર્ચા કરી શકીએ છીએ અને અલ્પસંખ્યકોના અધિકારો સહિત અમારી ચિંતા તેમની સમક્ષ સ્પષ્ટ કરી શકીએ છીએ. અમે ઘટનાઓ ઉપર બારિકાઈથી નજર રાખી રહ્યા છીએ અને જ્યારે તે અંગે કોઈ ચિંતા જણાશે તો અમે તેમની સમક્ષ રજૂ કરીશું.
પાકિસ્તાનની મૂળના અન્ય એક સાંસદ નુસરત ગનીએ સરકાર સમક્ષ બ્રિટન સરકારની ચિંતાઓને ભારતીય અધિકારીઓ સુધી પહોંચાડવાનો આગ્રહ કર્યો છે. લેબર પાર્ટીના સાંસદ બ્રિટિશ શીખ તનમનજિતસિંહ ઢેસીએ કહ્યું કે, હિંસાએ ૧૯૮૪ના શીખ વિરોધી રમખાણોની દુઃખદ યાદોને તાજી કરી છે. એ સમયે તેઓ ભારતમાં ભણતા હતા અને તેમના સાથી સાંસદ પ્રીત કૌર ગિલે પણ ૧૯૮૪ રમખાણનો સંદર્ભ ટાંક્યો હતો. કન્ઝર્વેટિવ પાર્ટીના સાંસદ બોબ બ્લેકમેને કહ્યું કે, તેઓ એ વાતથી વાકેફ કરાશે કે રમખાણોમાં ફક્ત મુસ્લિમો જ નહીં હિન્દુઓ પણ માર્યા ગયા છે.
આ પહેલાં ફેબ્રુઆરીમાં હાઉસ ઓફ કોમન્સમાં એ અંગે ચિંતા વ્યક્ત કરાઈ હતી. ભારતીય મૂળના લોર્ડ મેધનાદ દેસાઈએ કહ્યું કે, એમ કહેવાય છે કે આ કાયદો ગેરબંધારણીય છે, પરંતુ આપણને એ ખબર નથી કેમ કે અત્યાર સુધી ભારતીય સુપ્રીમ કોર્ટે આ મુદ્દે સુનાવણી કરી નથી.