- ભારતીય સંસદે મંજૂર કરેલા સીટીઝન અમેન્ડમેન્ટ એક્ટ (CAA)ના વિરોધમાં યુકેમાં છેલ્લા 3 સપ્તાહ દરમિયાન લેસ્ટર, લંડન, નોટીંગહામ અને ઓક્સફર્ડ ખાતે દેખાવો થયા હતા. તો બીજી તરફ ભારતીય જૂથો દ્વારા ગયા શનિવારે લંડનના પાર્લામેન્ટ સ્કવેર સ્થિત ગાંધીજીની પ્રતિમા સમક્ષ ભારતીય ડાયાસ્પોરાએ તીરંગા સાથે સીટીઝનશિપ અમેન્ડમેન્ટ એક્ટ તથા NCRને સમર્થન આપતા દેખાવો કર્યા હતા. બીજી તરફ CAAને ટેકો આપવા ગત રવિવારે માંચેસ્ટર ખાતે દેખાવો કરાયા હતા. શનિવાર તા. 4ના રોજ ભારતીય ડાયાસ્પોરા દ્વારા લંડનના પાર્લામેન્ટ સ્કવેર સ્થિત ગાંધીજીની પ્રતિમા ખાતે સીટીઝન અમેન્ડમેન્ટ એક્ટ અને NCRને સમર્થન આપવા યોજાયેલા દેખાવો દરમિયાન ટેકો આપનાર વિવિધ સામાજિક ધાર્મિક સંસ્થાઓના અગ્રણીઓએ સંબોધન પણ કર્યા હતા અને CAA વિષે જે વ્યાપક ગેરસમજ ફેલાવવામાં આવી છે તે દૂર કરવા પ્રયાસ કરી CAAના સમર્થનમાં સૂત્રોચ્ચાર પણ કરાયા હતા.
લંડનમાં ભારતીય હાઈ કમિશને સીટીઝનશિપ અમેન્ડમેન્ટ એક્ટ (CAA)ની વિગતો આપતા દસ્તાવેજો જાહેર કર્યા છે અને એ વાત પર ભાર મૂક્યો છે કે આ કાયદો “વિદેશમાં વસતા કોઈ પણ ધાર્મિક સમુદાયને ટાર્ગેટ કરતો નથી. ગેરમાહિતી ફેલાવતુ અભિયાન હાથ ધરાયું છે. ભારતના મુસ્લિમ નાગરિકો સહિતના કોઈપણ નાગરિકને સીએએ અસર કરશે નહીં. ભારતીય નાગરિકો ભારતીય બંધારણ દ્વારા તેમને આપવામાં આવેલા મૂળભૂત અધિકારો ભોગવે જ છે. ”
કથિત રીતે “ભેદભાવપૂર્ણ” કાયદા સામે વિરોધ વ્યક્ત કરવા રવિવાર 5 જાન્યુઆરીએ લેસ્ટરના સીટી સેન્ટર સ્થિત ક્લોક ટાવર ખાતે દેખાવો કરાયા હતા. તેમાં સંખ્યાબંધ લોકોએ ભાષણ આપ્યા હતા. આ કાર્યક્રમમાં લેસ્ટર સેક્યુલર સોસાયટી પણ જોડાઇ હતી. તાજેતરમાં લંડન અને નોટિંગહામમાં શાંતિપૂર્ણ દેખાવો કરાયા હતા.
ગત શનિવારે જ ઇસ્ટ લંડનના ન્યૂહામ ખાતે ગ્રીન સ્ટ્રીટથી એક વિશાળ રેલી નિકળી હતી. તેમાં સ્થાનિક સાંસદ સ્ટીફન ટીમ્સ સહિત કેટલાક લેબર કાઉન્સલર્સ ઉપસ્થિત રહ્યા હોવાની માહિતી સાંપડી છે.
તા. 21 ડિસેમ્બર, શનિવારના રોજ લંડનના પાર્લામેન્ટ સ્કવેર સ્થિત ગાંધી પ્રતિમા ખાતે “ભારતીય બંધારણનો બચાવ કરો”ના સંદેશ સાથે યુકે સ્થિત કેટલાક એશિયન સંગઠનોએ ભેગા થઇ “આઝાદી”ના નારા લગાવી ભારતીય ત્રિરંગો લહેરાવી સીએએ અને નેશનલ રજિસ્ટર ઑફ સીટીઝન (એનઆરસી) પાછો ખેંચવા હાકલ કરી હતી.
તે અગાઉ તા. 18 ડીસેમ્બરના રોજ રાત્રે લંડનમાં ભારતીય હાઈ કમિશનની બહાર ઈન્ડિયા સોસાયટી ઓફ સ્કૂલ ઓફ ઓરિએન્ટલ અને આફ્રિકન સ્ટડીઝ (એસઓએએસ) દ્વારા આયોજિત અને લંડન સ્કૂલ ઑફ ઇકોનોમિક્સ (એલએસઈ) સોસાયટી, ઇન્ડિયન વર્કર્સ એસોસિએશન, સાઉથ એશિયા સોલિડેરિટી ગ્રુપ સહિત અન્ય યુનિવર્સિટીઝના સાઉથ એશિયન વિદ્યાર્થી ગ્રુપ દ્વારા વિરોધી દેખાવોમાં ‘ઇંકલાબ જિંદાબાદ’ જેવા સૂત્રોચ્ચાર કરી કેટલાક લોકોએ પ્લેકાર્ડ્સ અને ત્રિરંગા સાથે ભેગા થઇ સીએએનો વિરોધ કર્યો હતો. 14 ડીસેમ્બરના દિવસે આસામીઝ લોકોએ ભારતીય હાઇ કમિશન સમક્ષ સીએએના વિરોધમાં દેખાવો કર્યા હતા. ઑક્સફર્ડ યુનિવર્સિટીની ઇન્ડિયા સોસાયટીએ પણ ઑક્સફર્ડના રેડક્લીફ સ્કવેરમાં દેખાવો કર્યા હતા.
ભારતના સીટીઝન અમેન્ડમેન્ટ એક્ટ (CAA)ને ટેકો જાહેર કરનારી બ્રિટનની સંસ્થાઓ
ઇન્ડિયન ડાયસ્પોરા દ્વારા એક્ટ (CAA)ને ટેકો આપવા અને જનજાગૃતી લાવવા મુવમેન્ટ શરૂ કરાઈ છે.
સંસ્થા દ્વારા એક પત્રિકા પણ પ્રકાશિત કરાઈ છે જેમાં ભારતના સીટીઝનશિપ અમેન્ડમેન્ટ એક્ટ (CAA)ની જોગવાઇઓ, જરૂરિયાત અને ભારત સરકારના અભિગમની સ્પષ્ટતા કરાઈ છે. વિવિધ સામાજીક અને ધાર્મિક સંસ્થાઓના અગ્રણીઓએ ભારતના સીટીઝનશિપ અમેન્ડમેન્ટ એક્ટ (CAA)ને સમર્થન જાહેર કર્યું હતું અને હજુ વધુ સંસ્થાઓ સમર્થન જાહેર કરાશે.
બેસિંગસ્ટોક હિન્દુ સોસાયટી,
બંગાળી હિન્દુ આદર્શ સંઘ,
ફ્રેન્ડ્સ ઑફ ઇન્ડિયા સોસાયટી ઇન્ટરનેશનલ
હિન્દુ કાઉન્સિલ ઑફ નોર્થ યુકે
હિંદુ કાઉન્સિલ ઑફ બ્રેન્ટ
હિન્દુ કાઉન્સિલ ઑફ બર્મિંગહામ
હિન્દુ કાઉન્સિલ યુ.કે.
હિંદુ ફોરમ ઑફ બ્રિટન
હિન્દુ સ્વયંસેવક સંઘ યુ.કે.
રગ્બી ઈન્ડિયન કલ્ચરલ એસોસિએશન (INCAR)
ઇન્સપાયરીંગ ઇન્ડિયન વીમેન (IIW)
જમ્મુ કાશ્મીર સ્ટડી સર્કલ
કરુનાદિના અનિવાસી હિન્દુગલા ઓકકુટા યુકે (કેએચઓ)
લેન્કેસ્ટર અને મોરકેમ્બે હિન્દુ સોસાયટી
માંધાતા સમાજ
મંગલમ યુકે
નેશનલ કાઉન્સિલ ઓફ પાટીદાર સમાજ
નેશનલ કાઉન્સિલ ઓફ ગુજરાતી ઓર્ગેનાઇઝેશન્સ
ઓડિશા સોસાયટી ઑફ યુકે
ઓવરસીઝ ફ્રેન્ડ્ઝ ઓફ બીજેપી
પાકિસ્તાન હિન્દુ ફોરમ યુકે
રાજસ્થાન એસોસિએશન યુકે
સંગમમ યુકે
શ્રી પ્રજાપતિ એસોસિએશન
શ્રી સીતારામા કલ્યાણમ – લંડન
શ્રી દુર્ગા મંદિર ટ્રસ્ટ
તેલુગુ એસોસિએશન ઑફ બર્મિંગહામ
તેલુગુ એસોસિએશન ઑફ બેઝીંગસ્ટોક
યુકે તેલુગુ હિન્દુ ઓર્ગેનાઇઝેશન (UTHO)
ઉત્તર પ્રદેશ કોમ્યુનિટી એસોસિએશન (યુપીસીએ) યુકે
વિશ્વ હિન્દુ પરિષદ યુકે (વીએચપી યુકે)