વિશ્વમાં સૌથી વધુ સોનુ ધરાવતા ભારતમાં હવે ક્રિપ્ટોકરન્સીમાં રોકાણનો ટ્રેન્ડ આવ્યો છે. ભારતના પરિવારો પાસે આશરે 25,000 ટનથી વધુ સોનું છે. પરંતુ છેલ્લાં એક વર્ષમાં ક્રિપ્ટો કરન્સીમાં રોકાણ 200 મિલિયનથી વધીને આશરે 40 બિલિયન ડોલર થયું છે, એમ ચેઇનએનાલિસસે જણાવ્યું છે. રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા ક્રિપ્ટો કરન્સીનો જોરદાર વિરોધ કરી રહી છે અને ટ્રેડિંગ પર પ્રતિબંધની દરખાસ્ત હોવા છતાં આ ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે. ચીનનો આંકડો 161 બિલિયન ડોલર છે.
ભારતમાં આવા ડિજિટલ કોઇનનની ખરીદી અને વેચાણ કરતાં લોકોની સંખ્યા વધીને 15 મિલિયન થઈ છે. આવા ટ્રેડર્સની સંખ્યામાં સતત વધારો થઈ છે. ભારતના પ્રથમ ક્રિપ્ટો કરન્સી એક્સ્ચેન્જના સહસ્થાપકે જણાવ્યું હતું કે 18થી 25 વર્ષના વયજૂથના લોકો આ નવા પ્લેટફોર્મમાં રોકાણ કરી રહ્યા છે. વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલના ડેટા અનુસાર, 34 વર્ષથી ઓછી વય ધરાવતો ભારતીય યુવાવર્ગ ગોલ્ડમાંથી રસ ગુમાવી રહ્યો છે. ક્રિપ્ટોમાં રોકાણ કરનારા મોટાભાગના ભારતીયો 34 વર્ષથી ઓછી વયના છે. ગોલ્ડની સરખામણીએ ક્રિપ્ટોમાં રોકાણ કરવાની પ્રોસેસ ખૂબ જ સરળ હોવાથી તેના તરફ આકર્ષણ વધી રહ્યું છે. ભારત સરકારે છ મહિના પહેલા ક્રિપ્ટો કોઇનમાં ટ્રેડિંગ પર પ્રતિબંધ મૂક્યો હતો, પરતુ તે પછીથી આ મુદ્દે ચુપકીદે સેવી રાખી છે.
નિષ્ણાતો જણાવે છે કે ક્રિપ્ટો ખરીદવા બસ એક મોબાઈલ કે કમ્પ્યુટર પૂરતા છે. ઓનલાઈન લોગ-ઈન કરો અને ક્રિપ્ટો ખરીદી લો. તેને વેરિફાઈ કરવાની પણ જરુર નથી. 2018માં ભારતમાં ક્રિપ્ટોના ટ્રેડિંગ પર પ્રતિબંધ મૂકી દીધો હતો. જોકે, ગયા વર્ષે સુપ્રીમ કોર્ટના ચુકાદા બાદ પ્રતિબંધ દૂર થતાં ટ્રેડિંગમાં મોટો વધારો થયો છે.
ક્રિપ્ટોમાં સૌથી મોટી અડચણ નિયમોની અનિશ્ચિતતા છે. સરકાર ક્રિપ્ટોને માન્યતા આપવાના પક્ષમાં નથી. રિઝર્વ બેંક પણ સરકારના પક્ષે છે અને હજુ છ મહિના પહેલા જ સરકારે ડિજિટલ કોઈન્સના ટ્રેડિંગ પર પ્રતિબંધ મૂકવાની દરખાસ્ત કરી હતી. જે અમલમાં તો ના આવી, પરંતુ ત્યારથી સરકાર ક્રિપ્ટોના મામલે કંઈ બોલી પણ નથી. તેવામાં ક્રિપ્ટોમાં ટ્રેડિંગ હાઈ-રિસ્ક બની જાય છે.