બ્રિટનને પાછળ રાખીને ભારત દુનિયાનું પાંચમાં ક્રમનું સૌથી મોટું અર્થતંત્ર બન્યું છે. ભારતે 2021ના છેલ્લાં ત્રણ મહિનામાં બ્રિટનને પાછળ રાખી દીધું હતું. ભારતના અર્થતંત્રનું કદ 854.7 બિલિયન ડોલર રહ્યું હતું, જ્યારે યુકેનું ઇકોનોમી 816 બિલિયન ડોલરનું રહ્યું હતું. દુનિયાના સૌથી મોટા ચાર ઇકોનોમીમાં અમેરિકા, ચીન, જાપાન અને જર્મનીનો સમાવેશ થાય છે. હવે પાંચમું સ્થાન ભારતે હાંસલ કર્યું છે.
ઇન્ટરનેશનલ મોનેટરી ફંડના જીડીપી ડેટા મુજબ ભારતે 2021ના છેલ્લાં ક્વાર્ટરમાં આ સિદ્ધિ હાંસલ કરી હતી. આ ગણતરી યુએસ ડોલરમાં કરવામાં આવેલી છે. એક દાયકા પહેલા વિશ્વના સૌથી મોટા અર્થતંત્રમાં ભારતનો ક્રમ 11મો હતો, જ્યારે બ્રિટન પાંચમાં સ્થાને હતું.
ઇન્ટરનેશનલ રેન્કિંગમાં બ્રિટનની આ પીછેહટ તેના નવા વડાપ્રધાન માટે સારા સંકેત નથી. બ્રિટનની કન્ઝર્વેટિવ પાર્ટી સોમવારે તેના નવા વડાપ્રધાનની પસંદગી કરશે. ભારતીય મૂળના રિશી સુનકને હરાવીને વિદેશ પ્રધાન લીઝ ટ્રસ બ્રિટનના નવા વડાપ્રધાન બને તેવી પ્રબળ શક્યતા છે.
બ્રિટનના નવા વડાપ્રધાનને ચાર દાયકાના સૌથી ઊંચા ફુગાવાનો સામનો કરવો પડશે. બ્રિટન હાલમાં મંદીમાં સરી પડે તેવું પણ જોખમ છે. બેન્ક ઓફ ઇંગ્લેન્ડના જણાવ્યા અનુસાર મંદીનું જોખમ ઊંચું છે. આનાથી વિરુદ્ધ ભારતનું અર્થતંત્ર ચાલુ વર્ષે સાત ટકા કરતાં ઊંચી વૃદ્ધિ નોંધાવે તેવી શક્યતા છે.
2021ના છેલ્લાં ક્વાર્ટરના છેલ્લાં દિવસે ડોલર એક્સ્ચેન્જ રેટનો ઉપયોગ કરીને અને એડજસ્ટેડે બેસિસે કરવામાં આવેલી ગણતરી મુજબ નોમિનલ કેશ ધોરણે ભારતના અર્થતંત્રનું કદ 854.7 અબજ ડોલર રહ્યું હતું, જ્યારે યુકેનું ઇકોનોમી 816 અબજ ડોલરનું રહ્યું હતું. આ ગણતરી આઇએમએફના ડેટાબેઝ અને બ્લૂમબર્ગ ટર્મિનલ પરના એક્સ્ચેન્જ રેટને આધારે કરવામાં આવેલી છે.
2021ના પ્રથમ ક્વાર્ટર પછીથી યુકેના અર્થતંત્રમાં વધુ ઘટાડો થયો હોય તેવી શક્યતા છે. બીજા ક્વાર્ટરમાં યુકેના જીડીપીમાં માત્ર 1 ટકા વૃદ્ધિ થઈ હતી. જો ફુગાવાને ધ્યાનમાં રાખવામાં આવે તો તેના જીડીપીમાં 0.1 ટકા ઘટાડો થયો હતો. રૂપિયાની તુલનામાં ડોલર સામે પાઉન્ડ વધુ ઘટ્યો છે. આ વર્ષે ભારતના રૂપિયા સામે પાઉન્ડમાં 8 ટકાનો ઘટાડો થયો હતો.