ભારત પ્રવાસમાં ઓસ્ટ્રેલિયન ક્રિકેટ ટીમે આખરે બાજી પલ્ટી નાખી હતી અને ગત સપ્તાહે ઈન્દોરમાં રમાયેલી ત્રીજી ટેસ્ટ મેચમાં ભારતની કંગાળ બેટિંગ તેમજ ઓસ્ટ્રેલિયાના સ્પિનર્સની વેધક બોલિંગ સામે ભારતે ધબડકો વાળતાં મેચ ત્રીજા જ દિવસે પુરી થઈ ગઈ હતી અને પ્રથમ ઈનિંગમાં મહત્ત્વની સરસાઈ પછી ઓસ્ટ્રેલિયાનો 9 વિકેટે વિજય થયો હતો. પહેલી ઈનિંગમાં 3 અને બીજી ઈનિંગમાં 8 – એમ કુલ 11 વિકેટ લેવા બદલ નાથન લિયોનને પ્લેયર ઓફ ધી મેચ જાહેર કરાયો હતો.
ભારતના સુકાની રોહિત શર્માએ ટોસ જીતી પહેલા બેટિંગ લેવાનો નિર્ણય લીધો હતો, પણ તે ફળદાયી નિવડ્યો નહોતો. ફક્ત 34મી ઓવરમાં જ ભારત માત્ર 109 રન કરી ઓલઆઉટ થઈ ગયું હતું. કોહલીના 22 અને ટેસ્ટમાં નવોદિત શુભમન ગિલના 21 રન મુખ્ય હતા, તો ઓસ્ટ્રેલિયાના મેથ્યુ કુનેમને પાંચ વિકેટ લીધી હતી.
જવાબમાં પહેલા દિવસની રમતના અંતે ઓસ્ટ્રેલિયાએ ચાર વિકેટે 156 રન કર્યા હતા અને તે જંગી સ્કોર ખડકી દેશે એવું લાગતું હતું. પણ બીજા દિવસે વધુ 41 રન ઉમેરતા ઓસ્ટ્રેલિયા પણ ઓલ આઉટ થઈ ગયું હતું. ઉસ્માન ખ્વાજાના 60 અને સુકાની સ્ટીવન સ્મિથના 26 રન મુખ્ય હતા. રવિન્દ્ર જાડેજાએ ચાર તથા અશ્વિન અને ઉમેશ યાદવે 3-3 વિકેટ લીધી હતી. ઓસ્ટ્રેલિયાને જો કે પહેલી ઈનિંગમાં મહત્ત્વની 88 રનની લીડ મળી હતી.
બીજી ઈનિંગમાં ભારતે થોડો સારો દેખાવ કર્યો હતો, પણ ઓસ્ટ્રેલિયા માટે તે સ્હેજે પડકારજનક બની શક્યો નહોતો. ચેતેશ્વર પુજારાએ સૌથી વધુ 59 રન કર્યા હતા, તો શ્રેયસ ઐયરે 26 રનનો ફાળો આપ્યો હતો. એ પહેલા ભારતની શરૂઆત તો નબળી જ રહી હતી અને ફ્કત 32 રનમાં બન્ને ઓપનર ઘરભેગા થઈ ગયા હતા. ચોથી વિકેટની ભાગીદારીમાં પુજારા અને ઐયરે 35 રન કર્યા હતા, જે મેચની ભારતની સૌથી મોટી ભાગીદારી બની હતી. લિયોને 8 તથા સ્ટાર્ક અને કુનેમને એક-એક વિકેટ લીધી હતી. એકંદરે ભારતે 163 રન કરતાં ઓસ્ટ્રેલિયાને વિજય માટે 76 રનનો ટાર્ગેટ મળ્યો હતો, જે તેણે ત્રીજા દિવસે જ આક્રમક બેટિંગ સાથે, ફક્ત 19 ઓવરમાં એક વિકેટ ગુમાવીને હાંસલ કર્યો હતો.