રવિવારે કોલંબોના આર. પ્રેમદાસા સ્ટેડિયમ ખાતે એશિયા કપ 2023 ટ્રોફી સાથે ભારતીય ટીમ (ANI Photo)

કોલંબોમાં રવિવારે એશિયા કપની ફાઈનલમાં ભારતે શ્રીલંકાને 10 વિકેટે હરાવી આઠમી વાર એશિયા કપનો તાજ હાંસલ કર્યો હતો. વરસાદના વિક્ષેપના કારણે થોડી મોડી શરૂ થયેલી મેચમાં શ્રીલંકાના સુકાનીએ ટોસ જીતી પહેલા બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો, પણ તેનો લાભ શ્રીલંકન બેટ્સમેન લઈ શક્યા નહોતા અને મોહમદ સિરાજે સનસનાટીભરી, ખૂબજ વેધક બોલિંગ સાથે શ્રીલંકાની ટોપ ઓર્ડરની બેટિંગનો ખાત્મો બોલાવી દીધો હતો.

ઈનિંગની છઠ્ઠી અને સિરાજની ત્રીજી જ ઓવરમાં શ્રીલંકાએ ફક્ત 12 રનમાં છ વિકેટ ગુમાવી દીધી હતી. એકંદરે, શ્રીલંકા 15.2 ઓવર્સમાં ફક્ત 50 રનમાં ઓલઆઉટ થઈ ગયું હતું અને જવાબમાં ભારતે ફક્ત 6.1 ઓવરમાં એકપણ વિકેટ ગુમાવ્યા વિના 51 રન કરી કપ પોતાના નામે કર્યો હતો. 

શ્રીલંકાની પહેલી વિકેટ જો કે, જસપ્રીત બુમરાહે પહેલી જ ઓવરમાં ખેરવી હતી. પણ એ પછી સિરાજ છવાઈ ગયો હતો અને તેણે પોતાની બીજી, શ્રીલંકાની ઈનિંગની ચોથી ઓવરમાં તો ચાર વિકેટ ખેરવી શ્રીલંકન કેમ્પમાં તેમજ તેના ચાહકોમાં જાણે કે હાહાકાર મચાવી દીધો હતો. એક જ ઓવરમાં ટોપ ઓર્ડરના ચાર બેટર ગુમાવતા સ્ટેડિયમમાં જાણે સન્નાટો છવાઈ ગયો હતો, શ્રીલંકન ક્રિકેટ ચાહકો ઉપર જાણે આઘાતનું મોજું ફરી વળ્યું હતું. 

એ પછી કુસલ મેન્ડિસ અને દુનિથ વેલાલાગેએ સાતમી વિકેટની ભાગીદારીમાં ટીમનો સ્કોર 33 સુધી પહોંચાડતા સમર્થકોમાં થોડો ઉત્સાહ જણાયો હતો. પણ એ પછી 12મી ઓવરમાં સિરાજે ફરી મેન્ડિસને પેવેલિયન ભેગો કરી દીધો હતો. અને બાકીની ત્રણ વિકેટ હાર્દિક પંડ્યાએ ખેરવી હતી. 

ભારતનો વિજય માટેનો ટાર્ગેટ તો ઓપનર્સ ઈશાન કિશન અને શુભમન ગિલે ફક્ત 6.1 ઓવર્સમાં હાંસલ કરી લીધો હતો. ગિલે 19 બોલમાં 6 ચોગ્ગા સાથે 27 તથા ઈશાન કિશને 18 બોલમાં ત્રણ ચોગ્ગા સાથે 23 રન કર્યા હતા. 

ભારતે પાંચ વર્ષ પછી આ મલ્ટી ટીમ ઈવેન્ટમાં ચેમ્પિયન્સનું ટાઈટલ હાંસલ કર્યું હતું. સિરાજ દેખિતી રીતે જ પ્લેયર ઓફ ધી મેચ જાહેર થયો હતો, તો કુલદીપ યાદવને પ્લેયર ઓફ ધી સીરીઝ જાહેર કરાયો હતો. અગાઉ 2018માં પણ રોહિત શર્માના સુકાનીપદ હેઠળ જ ભારતે એશિયા કપનો તાજ હાંસલ કર્યો હતો. 

બાંગ્લાદેશે ભારતને 6 રને હરાવ્યું:  એ અગાઉ જો કે, શુક્રવારે ભારત – બાંગ્લાદેશની છેલ્લી સુપર ફોર મેચમાં ભારતનો બાંગ્લાદેશ સામે 6 રને પરાજય થયો હતો, પણ એ પહેલા ભારતે ફાઈનલમાં પોતાનું સ્થાન નિશ્ચિત કરી લીધું હતું, તો બાંગ્લાદેશ ફાઈનલ માટેની સ્પર્ધામાંથી બહાર થઈ ચૂક્યું હતું, તેના કારણે મેચના પરિણામથી સ્થિતિમાં કોઈ ફરક પડ્યો નહોતો. 

બાંગ્લાદેશે 8 વિકેટે 265 રન કર્યા હતા, તેના જવાબમાં ભારતીય ટીમ એક બોલ બાકી હતો ત્યારે, 49.5 ઓવર્સમાં 259 રને ઓલઆઉટ થઈ ગઈ હતી. બાંગ્લાદેશ તરફથી શાકીબ અલ હસને 85 બોલમાં 6 ચોગ્ગા અને 3 છગ્ગા સાથે 80 અને તૌહીદ હેરદોયે 81 બોલમાં 5 ચોગ્ગા અને 2 છગ્ગા સાથે 54 રન કર્યા હતા. 

ભારત તરફથી શુભમન ગિલે 133 બોલમાં 8 ચોગ્ગા અને 5 છગ્ગા સાથે 121 અને અક્ષર પટેલે 34 બોલમાં 3 ચોગ્ગા અને 2 છગ્ગા સાથે 42 રન કર્યા હતા. ભારત તરફથી શાર્દુલ ઠાકુરે 3, મોહમ્મદ શમીએ 2 વિકેટ અને પ્રસિદ્ધ ક્રિશ્નાઅક્ષર પટેલ અને રવિન્દ્ર જાડેજાએ 1-1 વિકેટ લીધી હતી.

પાકિસ્તાનને હરાવી શ્રીલંકા ફાઈનલમાઃ ગુરૂવારે (14 સપ્ટેમ્બર) રમાયેલી સુપર ફોરની બીજી નિર્ણાયક મેચમાં શ્રીલંકાએ પાકિસ્તાનને બે વિકેટે હરાવી ફાઈનલમાં સ્થાન નિશ્ચિત કર્યું હતું, પાકિસ્તાન છેલ્લી ઘડી સુધીના સંઘર્ષ છતાં સ્પર્ધામાંથી બહાર થઈ ગયું હતું. વરસાદના કારણે ટુંકાવાઈ ગયેલી મેચમાં પાકિસ્તાને 42 ઓવર્સમાં 7 વિકેટે 252 રન કર્યા હતા. ડકવર્થ એન્ડ લુઈસ પદ્ધતિ અનુસાર શ્રીલંકા માટે 252 રનનો જ ટાર્ગેટ 42 ઓવરમાં આવ્યો હતો અને યજમાન ટીમે છેલ્લી ઓવરના છેલ્લા બોલે 8 વિકેટે ટાર્ગેટ હાંસલ કર્યો હતો. 

LEAVE A REPLY