(ANI photo)

ભારતીય ક્રિકેટ ટીમનો દક્ષિણ આફ્રિકાનો પ્રવાસ સતત ઉતાર-ચડાવભર્યો રહ્યો છે. પહેલી ટી-20 મેચ વરસાદના કારણે સંપૂર્ણપણે ધોવાઈ ગયા પછી બાકીની બે ટી-20 મેચમાં બન્ને ટીમે એક-એક વિજય સાથે સીરીઝ સરભર કરી હતી, તો રવિવારે (17 ડીસેમ્બર) ભારતે પ્રથમ વન-ડેમાં યજમાન ટીમને આઠ વિકેટે સજ્જડ શિકસ્ત આપી હતી.

જોહાનિસ્બર્ગમાં રમાયેલી આ મેચમાં પીઢ ફાસ્ટ બોલર્સની ગેરહાજરીમાં અર્શદીપ સિંઘ અને આવેશ ખાને સનસનાટી મચાવી દીધી હતી. જો કે, ત્રીજો ફાસ્ટ બોલર મુકેશ કુમાર જાણે સાવ નિષ્પ્રભાવ રહ્યો હતો. મેચની બીજી અને પોતાની પહેલી જ ઓવરમાં અર્શદીપે રેઝા હેન્ડ્રીક્સ અને રાસી વાન ડર ડુંસે બન્નેને શૂન્ય રને તંબુ ભેગા કર્યા ત્યારે સા. આફ્રિકાનો સ્કોર બે વિકેટે 3 રન હતો.

એ પછી ટોની ડી ઝોર્ઝી અને સુકાની એઈડન મારક્રમે 39 રનની ભાગીદારી કરી હતી. સાઉથ આફ્રિકાની ઈનિંગની આઠમી ઓવરમાં અર્શદીપ ફરી ત્રાટ્કયો હતો અને ઝોર્ઝીની વિકેટ ખેરવી હતી. એ પછી શરૂ થયેલી આવન જાવનમાં યજમાન ટીમે વધુ 41 રન ઉમેરી છ વિકેટ ગુમાવી હતી અને 73 રને આઠ વિકેટના સ્કોર પછી તો સા. આફ્રિકા 100 સુધી પહોંચી શકશે કે કેમ એ વિષે પણ શંકા જાગી હતી. જો કે, ફેલુકવાયો અને નાન્દ્રે બર્ગર તથા બર્ગર અને તબરેઝ શમ્સીએ ટીમનો સ્કોર 27.3 ઓવરમાં 116 રન સુધી પહોંચાડ્યો હતો.

અર્શદીપે પોતાની કારકિર્દીનો શ્રેષ્ઠ દેખાવ કરતાં 10 ઓવરમાં 37 રન આપી પાંચ વિકેટ લીધી હતી અને સાઉથ આફ્રિકામાં વન-ડેમાં એક જ મેચમાં પાંચ વિકેટ લેનારો તે પહેલો ભારતીય ફાસ્ટ બોલર બન્યો હતો. આવેશ ખાને 8 ઓવરમાં ત્રણ તો મેઈડન કરી હતી અને 27 રનમાં ચાર વિકેટ લીધી હતી.

એ પછી ભારતની બેટિંગમાં ગાયકવાડ સસ્તામાં આઉટ થયો હતો, પણ નવોદિત ઓપનર સાઈ સુદર્શને શ્રેયસ ઐયર સાથેની ભાગીદારીમાં ટીમને વિજયની મંઝિલે લગભગ છેક પહોંચાડી દીધી હતી. સુદર્શને 43 બોલમાં અણનમ 55 કર્યા હતા અને પોતાની પહેલી જ વન-ડેમાં અડધી સદી સાથે પ્રભાવશાળી દેખાવ કર્યો હતો. શ્રેયસ ઐયર 45 બોલમાં 52 રન કરી વિદાય થયો હતો, પણ તેની જગ્યાએ આવેલા તિલક વર્માને કઈં ખાસ કરવાનું રહ્યું નહોતું. ભારતે 16.4 ઓવરમાં જ બે વિકેટે 117 રન કરી વિજયની મહોર મારી દીધી હતી. અર્શદીપને પ્લેયર ઓફ ધી મેચ જાહેર કરાયો હતો.

 

LEAVE A REPLY