(ANI Photo)

ભારતના પ્રવાસે ગયેલી ઈંગ્લેન્ડની ટીમને પાંચ ટેસ્ટ મેચની સીરીઝની ત્રીજી ટેસ્ટમાં ચોથા દિવસે રવિવારે (18 ફેબ્રુઆરી) ભારતે રેકોર્ડ 434 રનથી હરાવી સીરીઝમાં 2-1ની લીડ મેળવી હતી. પ્રથમ ટેસ્ટમાં ઈંગ્લેન્ડના 28 રને વિજય પછી ભારતે બીજી ટેસ્ટમાં પ્રવાસી ટીમને 106 રને હરાવી હતી અને હવે 434 રને આ જંગી વિજય પછી બાકીની બે ટેસ્ટ ઈંગ્લેન્ડ માટે કપરો પડકાર બની રહેશે. રમાઈ ગયેલી ત્રણે ટેસ્ટ મેચ ચોથા દિવસે જ પુરી થઈ ગઈ હતી, એકપણ મેચ હજી સુધી પાંચમા દિવસમાં પહોંચી નથી.

રાજકોટના નિરંજન શાહ સ્ટેડિયમમાં ગુરૂવારે ભારતના સુકાની રોહિત શર્માએ ટોસ જીતી પહેલા બેટિંગનો નિર્ણય લીધો હતો. ભારતે પહેલી ઈનિંગમાં સુકાની રોહિત શર્મા અને રવીન્દ્ર જાડેજાની સદીઓ સાથે 445 રન કર્યા હતા. આ બે સદીઓ ઉપરાંત નવોદિત બેટર સરફરાઝ ખાને પહેલીવાર ટેસ્ટ મેચ રમતાં આક્રમક બેટિંગ સાથે 66 બોલમાં 62 તથા નવોદિત વિકેટકીપર બેટર ધ્રુવ જુરેલે 104 બોલ રમી 46 કર્યા હતા. રવિચન્દ્રન અશ્વિન અને જસપ્રીત બુમરાહે પણ ઉપયોગી ફાળો આપ્યો હતો. ઈંગ્લેન્ડ તરફથી માર્ક વુડે 4 અને રેહાન એહમદે 2 વિકેટ લીધી હતી.

જવાબમાં ઓપનર બેન ડકેટના 153 રન સાથે ઈંગ્લેન્ડના પહેલી ઈનિંગમાં 319 રન થયા હતા, એ રીતે ભારતને 126 રનની લીડ મળી હતી. ઓલી પોપે 39 અને સુકાની બેન સ્ટોક્સે 41 રન કર્યા હતા, તો ભારત તરફથી મોહમદ સિરાજે 4 અને કુલદીપ યાદવ તથા રવીન્દ્ર જાડેજાએ 2-2 તથા બુમરાહ અને અશ્વિને 1-1 વિકેટ લીધી હતી.

ભારતની બીજી ઈનિંગ વધુ પ્રભાવશાળી રહી હતી, ઓપનર યશસ્વી જયસ્વાલે ઈંગ્લેન્ડના બોલર્સ ઉપર છવાઈ જઈ 236 બોલમાં અણનમ 214 રન કર્યા હતા, જેમાં 12 છગ્ગા અને 14 ચોગ્ગાનો સમાવેશ થતો હતો. તેણે કેટલાક નવા રેકોર્ડ પણ કર્યા હતા. તે ઉપરાંત શુભમન ગિલે 91 તથા સરફરાઝ ખાને અણનમ 68 રન કર્યા હતા. ભારતે એકંદરે 98 ઓવરમાં ચાર વિકેટે 430 રન કરી ઈનિંગ ડીકલેર કરી હતી અને ઈંગ્લેન્ડ સામે છેલ્લી ઈનિંગમાં વિજય માટે 557 રનનો લગભગ અશક્ય ટાર્ગેટ મુક્યો હતો. જો કે, ઈંગ્લેન્ડનો બીજી ઈનિંગમાં નામોશીભર્યો રકાસ થયો હતો અને ફક્ત 39.4 ઓવરમાં ટીમ 122 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. તેમાં પણ એક તબક્કે તો ફક્ત 50 રનમાં ટીમે સાત વિકેટ ગુમાવી દીધી હતી, એ પછી બેન ફોક્સ, ટોમ હાર્ટલી અને માર્ક વુડે થોડો પ્રતિકાર કરતાં ટીમ 122 સુધી પહોંચી શકી હતી. જાડેજાએ પાંચ અને કુલદીપ યાદવે 2 વિકેટ લીધી હતી. જાડેજાને તેની સદી તથા વેધક બોલિંગ બદલ પ્લેયર ઓફ ધી મેચ જાહેર કરાયો હતો.

 

LEAVE A REPLY