ભારત સરકારે સ્થાનિક બજારમાં ઉપલબ્ધતામાં વધારો કરીને ભાવ પર અંકુશ મૂકવા માટે  આવતા વર્ષે માર્ચ સુધી ડુંગળીની નિકાસ પર પ્રતિબંધ મૂક્યો છે. ડિરેક્ટોરેટ જનરલ ઓફ ફોરેન ટ્રેડ (DGFT)એ એક નોટિફિકેશનમાં જણાવ્યું હતું કે ડુંગળીની નિકાસ નીતિમાં 31 માર્ચ, 2024 સુધી સુધારો કરાયો છે.

રાષ્ટ્રીય રાજધાનીમાં સ્થાનિક વિક્રેતાઓ ₹70-80 પ્રતિ કિલોના ભાવે ડુંગળી વેચી રહ્યા છે. અગાઉ કેન્દ્રએ ઓક્ટોબરમાં ગ્રાહકોને રાહત આપવા માટે છૂટક બજારોમાં ₹25 પ્રતિ કિલોના સબસિડીવાળા દરે બફર ડુંગળીના સ્ટોકનું વેચાણ વધારવાનો નિર્ણય લીધો હતો.

કિંમતોને અંકુશમાં રાખવા માટે સરકારે અગાઉ અનેક પગલાં લીધાં છે. તેને 28 ઓક્ટોબરે આ વર્ષે 31 ડિસેમ્બર સુધી ડુંગળીની નિકાસ પર પ્રતિ ટન USD 800ની લઘુત્તમ નિકાસ કિંમત (MEP) લાદી હતી. ઓગસ્ટમાં ભારતે 31 ડિસેમ્બર સુધી ડુંગળી પર 40 ટકા નિકાસ જકાત લાદી હતી.

જોકે ડીજીએફટીએ કહ્યું હતું કે ડુંગળીની નિકાસને સરકાર દ્વારા અન્ય દેશોને તેમની વિનંતીના આધારે આપવામાં આવેલી પરવાનગીના આધારે મંજૂરી આપવામાં આવશે. ચાલુ નાણાકીય વર્ષમાં 1 એપ્રિલથી 4 ઓગસ્ટની વચ્ચે ભારતે 9.75 લાખ ટન ડુંગળીની નિકાસ કરી હતી. મૂલ્યની દ્રષ્ટિએ ટોચના ત્રણ આયાત કરનારા દેશો બાંગ્લાદેશ, મલેશિયા અને UAE છે.

ચાલુ ખરીફ સિઝનમાં ડુંગળીના વાવેતરમાં વિલંબના અહેવાલો વચ્ચે ડુંગળીના ભાવમાં વધારો થવા લાગ્યો છે. ભારતમાં ડુંગળી રાજકીય રીતે સંવેદનશીલ કોમોડિટી છે.

LEAVE A REPLY