ઓસ્ટ્રેલિયાની સરકારે શનિવારે મૈત્રી પ્રોગ્રામ હેઠળ ભારત સાથે શૈક્ષણિક અને સાંસ્કૃતિક સંબંધોને મજબૂત બનાવવા માટે શ્રેણીબદ્ધ નવી પહેલની જાહેરાત કરી હતી. મૈત્રી સ્કોલર્સ પ્રોગ્રામ હેઠળ ઓસ્ટ્રેલિયની વર્લ્ડ ક્લાસ યુનિવર્સિટીમાં ભારતના વિદ્યાર્થીઓના અભ્યાસને સમર્થન આપવા ચાર વર્ષ માટે આશરે 1.1 કરોડ ડોલરની સહાય કરશે. આ ઉપરાંત મૈત્રી ફેલોશીપ પ્રોગ્રામની જાહેરાત કરાઈ છે, જે હેઠળ વ્યૂહાત્મક રિસર્ચ પહેલમાં સહકાર સાધવા ઓસ્ટ્રેલિયા અને ભારતના પ્રોફેશનલ્સને ચાર વર્ષમાં આશરે 35 લાખ ડોલરની સહાય મળશે. ભારતના વિદેશ પ્રધાન એસ જયશંકર સાથેની દ્વિપક્ષીય બેઠક બાદ ઓસ્ટ્રેલિયાના વિદેશ પ્રધાન એમ પેનીએ આ જાહેરાત કરી હતી.
ભારત અને ઓસ્ટ્રેલિયાએ આંતરરાષ્ટ્રીય શાંતિ અને સ્થિરતાને જોખમમાં મૂકવા સાઇબરસ્પેસ અને સાઇબર આધારિત ટેકનોલોજીના ઉપયોગના પ્રયાસોને નિંદા કરી હતી તથા આંતરરાષ્ટ્રીય કાયદાનું પાલન કરતી ખુલ્લી, સુરક્ષિત, મુક્ત, શાંતિપૂર્ણ સાઇબરસ્પેસ અને ટેકનોલોજી માટે પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી.