પ્રવાસી ઓસ્ટ્રેલિયન ટીમ સામેની પ્રથમ વન-ડે હાર્યા બાદ ભારતીય ક્રિકેટ ટીમની આકરી ટીકા થતી હતી પરંતુ વિરાટ કોહલીની ટીમે વળતો પ્રહાર કરવાની સાથે સાથે ટીકાકારોને ચૂપ કરી દેતી રમત દાખવીને રવિવારે અહીં રમાયેલી ત્રીજી વન-ડે ક્રિકેટ મેચમાં સાત વિકેટે ભવ્ય વિજય હાંસલ કરવાની સાથે ત્રણ મેચની વન-ડે સિરીઝ 2-1થી જીતી લીધી હતી.
ચારેક દિવસ અગાઉ બીસીસીઆઈના પ્રમુખ સૌરવ ગાંગુલીએ દાવો કર્યો હતો કે ભૂતકાળમાં પણ ભારતે પ્રથમ મેચ ગુમાવ્યા બાદ સિરીઝ જીતેલી છે અને તેના વિશ્વાસને સાર્થક કરતાં વિરાટ કોહલીની ટીમે રાજકોટ અને બેંગલોરની મેચો જીતીને સિરીઝ હાંસલ કરી હતી. ભારતે આ સાથે ઓસ્ટ્રેલિયા સામે છઠ્ઠી વખત દ્વિપક્ષીય વન-ડે સિરીઝ જીતી હતી. બંને વચ્ચે 12 દ્વિપક્ષીય સિરીઝ રમાઈ છે.
રવિવારે અહીંના એમ. ચિન્નાસ્વામી સ્ટેડિયમ ખાતે રમાયેલી ત્રીજી અને અંતિમ વન-ડેમાં ઓસ્ટ્રેલિયાએ પ્રથમ બેટિંગ કરતાં 286 રનનો ટારગેટ આપ્યો હતો, જે ભારતે 47.3 ઓવરમાં ત્રણ વિકેટ ગુમાવીને વટાવી દીધો હતો. ઓસ્ટ્રેલિયા માટે સ્ટિવન સ્મિથે પણ સદી ફટકારી હતી.
રોહિત શર્મા 2019ના વર્ષનો સૌથી સફળ બેટ્સમેન હતો અને તેણે પોતાનું ફોર્મ નવા વર્ષે પણ જાળવી રાખી આ મેચમાં શાનદાર સદી ફટકારી હતી. અગાઉ આ જ મેદાન પર વન-ડેમાં બેવડી સદી ફટકારી ચૂકેલા રોહિત શર્માએ રવિવારે આસાન બેટિંગ કરી હતી. તેણે 92.97ના સ્ટ્રાઇક રેટથી બેટિંગ કરીને 128 બોલમાં 119 રન ફટકાર્યા હતા.
અગાઉની મેચમાં ધારદાર બોલિંગ કરનારા ઓસ્ટ્રેલિયન બોલર્સ આ મેચમાં રોહિત શર્મા અને વિરાટ કોહલી સામે વામણા પુરવાર થયા હતા અને બંનેની સદીની ભાગીદારી સાથે જ ભારતનો વિજય નિશ્ચિત થઈ ગયો હતો. 206 રનના કુલ સ્કોરે રોહિત શર્મા આઉટ થયો ત્યારથી જ મેચમાં માત્ર ઔપચારિકતા બાકી રહી ગઈ હોય તેમ લાગતું હતું.
રોહિતના 119 રન ઉપરાંત વિરાટ કોહલીએ શાનદાર 89 રન ફટકાર્યા હતા. શ્રેયસ ઐય્યરે અંતભાગમાં ઝંઝાવાતી 44 રન ફટકાર્યા હતા. અગાઉ ઓસ્ટ્રેલિયા માટે સ્ટિવન સ્મિથે સુંદર રમત દાખવી હતી. તેની સદી ઉપરાંત મેરનસ લબુશેને પણ આકર્ષક બેટિંગ કરીને 54 રન ફટકાર્યા હતા. ભારત માટે મોહમ્મદ શમીએ ચાર વિકેટ લીધી હતી.