ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે મુક્ત વ્યાપાર કરાર 29 ડિસેમ્બરથી અમલમાં આવશે. તેનાથી પાંચ વર્ષમાં દ્વિપક્ષીય વેપાર લગભગ બમણો એટલે કે 45-50 અબજ ડોલર સુધી પહોંચાડવામાં મદદ મળશે.
ઓસ્ટ્રેલિયન વેપાર અને પર્યટન પ્રધાન ડોન ફેરેલે એક નિવેદનમાં બુધવારે જણાવ્યું હતું કે એન્થોની અલ્બેનીઝ સરકાર આજે પુષ્ટિને આવકારે છે કે ભારત સરકારે ઓસ્ટ્રેલિયા-ભારત આર્થિક સહકાર અને વેપાર કરાર (ECTA) ના અમલીકરણને સક્ષમ કરવા માટે તેની સ્થાનિક જરૂરિયાતો પૂર્ણ કરી છે. આ વેપાર કરાર 29 ડિસેમ્બર 2022થી ઓસ્ટ્રેલિયન બિઝનેસ અને ગ્રાહકો માટે બજાર ઍક્સેસની નવી તકો પ્રદાન કરશે.
વાણિજ્ય અને ઉદ્યોગ પ્રધાન પીયૂષ ગોયલે જણાવ્યું હતું કે મુક્ત વેપાર કરારનો અમલ “સંપૂર્ણ નવા યુગની શરૂઆત છે”ગોયલે એક ટ્વિટમાં જણાવ્યું હતું કે “ભારત અને ઓસ્ટ્રેલિયા તેમની લાંબા સમયથી ચાલતી ભાગીદારીને મજબૂત કરે છે. બંને દેશોના નેતાઓના માર્ગદર્શન હેઠળ સાકાર થયેલો આર્થિક સહકાર અને વેપાર કરાર 29 ડિસેમ્બર, 2022થી અમલમાં આવે છે. તે આપણા વ્યવસાયો અને લોકો માટે સંપૂર્ણ નવા યુગની શરૂઆત છે.
2 એપ્રિલના રોજ હસ્તાક્ષર કરાયેલા કરાર ઓસ્ટ્રેલિયન બજારમાં કાપડ, ચામડું, ફર્નિચર, જ્વેલરી અને મશીનરી સહિતના 6,000થી વધુ વ્યાપક ક્ષેત્રોના ભારતીય નિકાસકારોને ડ્યુટી-ફ્રી નિકાસની સુવિધા ઓફર કરે છે. કાપડ અને વસ્ત્રો, થોડાક કૃષિ અને માછલી ઉત્પાદનો, ચામડું, ફૂટવેર, ફર્નિચર, રમતગમતનો સામાન, જ્વેલરી, મશીનરી અને ઈલેક્ટ્રીકલ સામાન જેવા શ્રમપ્રધાન ક્ષેત્રોને પુષ્કળ લાભ થશે. ઓસ્ટ્રેલિયામાં ભારતની માલસામાનની નિકાસ 2021-22માં USD 8.3 બિલિયન હતી અને દેશમાંથી આયાત 16.75 બિલિયન ડોલર થઈ હતી.