યુકે દ્વારા ભારતને “રેડ’’ લીસ્ટમાંથી “એમ્બર” લીસ્ટમાં ખસેડવામાં આવતા કોરોનાવાઇરસની રસીના બે ડોઝ લીધા હોય તેવા ભારત ગયેલા બ્રિટીશ નાગરિકો અને યુકે રેસિડેન્ટ્સ, ભારતથી યુકે આવતા મુસાફરો, વિદ્યાર્થીઓ, બિઝનેસમેન, ઇમીગ્રન્ટ્સ અને ભારતથી પરત થનાર સૌ કોઇને હવે યુકેમાં ફરજિયાત 10 દિવસ માટે હોટલ ક્વોરેન્ટાઇનમાંથી મુક્તિ આપવામાં આવી છે. ડિપાર્ટમેન્ટ ઓફ ટ્રાન્સપોર્ટે જાહેર કરાયેલ આ ફેરફારનો અમલ રવિવાર 8 ઓગસ્ટના રોજ સવારે 4 વાગ્યાથી કરાયો હતો. આ નિર્ણય જાહેર થતાંની સાથે જ યુકેમાં આવવા માટે રાહ જોઇને બેસેલા અને ખાસ કરીને યુકેમાં વસતા લોકોના સગાં-સંબંધીઓ યુકે આવી પહોંચ્યા હતા. લોકો ભારતની સાથે યુએઈ, કતાર, અને બહેરિનને પણ રેડ લિસ્ટમાંથી એમ્બર લિસ્ટમાં ખસેડવામાં આવશે.
ડિપાર્ટમેન્ટ ઓફ ટ્રાન્સપોર્ટ સેક્રેટરી ગ્રાન્ટ શેપ્સે ટ્વિટ કરતાં જણાવ્યું હતું કે “અમે અમારો સાવધ રહેવાનો અભિગમ ચાલુ રાખીએ છીએ, વિશ્વભરના પરિવારો, મિત્રો અને બિઝનેસીસ સાથે જોડાવા માંગતા લોકો માટે વધુ દેશોના દરવાજા ખોલવા એક સારા સમાચાર છે. આ માટે અમારા સફળ ઘરેલું રસીકરણ કાર્યક્રમનો આભાર.”
ભારત અને બ્રિટન વચ્ચે મુસાફરીના નિયમો હળવા કરવાની માંગ કરી રહેલા યુકેમાં વસતા ભારતીય ડાયસ્પોરાના લોકો માટે આ નિર્ણય રાહતભર્યો છે.
એમ્બર લિસ્ટ દેશોમાંથી યુકે ટૂરીસ્ટ કે બિઝનેસ (નોન રેસિડેન્ટ) વિઝા પર આવનારી વ્યક્તિએ કાનૂની નિયમો હેઠળ, મુસાફરી શરૂ કરવાના ત્રણ દિવસ પહેલા એક કોવિડ ટેસ્ટ કરાવવાનો રહેશે અને ઈંગ્લેન્ડ પહોંચ્યા પછી બે કોવિડ ટેસ્ટ કરાવવાના રહેશે. જેનું અગાઉથી બુકિંગ કરાવવાનું રહેશે. તેમજ યુકેમાં આગમન થાય ત્યારે પેસેન્જર લોકેટર ફોર્મ ભરવાનું રહેશે. ઇંગ્લેન્ડમાં આવ્યા બાદ જે તે વ્યક્તિએ 10 દિવસ માટે તેમણે જણાવેલ સ્થળે અથવા ઘરમાં ક્વોરેન્ટાઇન કરવું પડશે. તેમણે યુકે આવ્યાના બીજા દિવસે પ્રથમ ટેસ્ટ અને આઠમા દિવસે કે તે પછી બીજો કોવિડ ટેસ્ટ કરાવવો પડશે. 18 વર્ષથી ઓછી ઉંમરના અને યુકે, ઇયુ અને યુએસમાં રસીના બન્ને ડોઝ લેનારા લોકોને યુકેમાં હોમ ક્વોરેન્ટાઇનમાંથી મુક્તિ આપવામાં આવી છે.
આ ઉપરાંત યુકે વેક્સીન પ્રોગ્રામ હેઠળ સંપૂર્ણ રસી મેળવનાર લોકો, યુકેમાં આગમનના દિવસે 18 વર્ષ કરતાં ઓછી વય ધરાવનાર, યુકેના રેસિડેન્ટ અને યુકે દ્વારા માન્ય રસીના બે ડોઝ લીધા હોય તેવા લોકોને પણ ક્વોરેન્ટાઇન થવામાંથી મુક્તિ આપવામાં આવી છે. ભારત દ્વારા ઉત્પાદિત ઓક્સફર્ડ/એસ્ટ્રાઝેનેકા રસી કોવિશિલ્ડને યુકે દ્વારા માન્ય કરાઇ છે અને તે રસી લેનાર ભારતીયોને પણ ક્વોરેન્ટાઇનમાંથી મુક્તિ આપવામાં આવે તેવી શક્યતા છે.
રેડ લિસ્ટ દેશોમાંથી યુકે આવતા એક વ્યક્તિએ 10 દિવસના હોટલ ક્વોરેન્ટાઇન માટે હવે 1,750 પાઉન્ડથી વધીને 2,285 પાઉન્ડ ચૂકવવા પડશે. જો તેઓ પુખ્ત વયની બીજી વ્યક્તિ સાથે રૂમમાં રહેશે તો તે બીજી વ્યક્તિએ 650 પાઉન્ડથી વધીને હવે 1,430 પાઉન્ડ ચૂકવવા પડશે.
સાત નવા દેશો જર્મની, ઓસ્ટ્રિયા, સ્લોવેનિયા, સ્લોવેકિયા, લેટવિયા, રોમેનિયા અને નોર્વેને ગ્રીન લિસ્ટમાં મૂકવામાં આવ્યા છે. જ્યારે ફ્રાન્સને “એમ્બર વોચલિસ્ટ”માંથી ખસેડવામાં આવ્યું છે. ગ્રીન લિસ્ટ દેશોમાંથી યુકે આવનારા લોકોને રસી લીધી ન હોય તો પણ ક્વોરેન્ટાઇનમાંથી મુક્તિ આપવામાં આવે છે. જો કે તેમણે યુકે પ્રસ્થાન કરતાં પહેલા અને યુકેમાં આગમનના બે દિવસ પછી કોવિડ ટેસ્ટ કરાવવો પડે છે.
રવિવારથી ચાર દેશો મેક્સિકો, જ્યોર્જિયા, લા રીયુનિયન અને મેયોટને રેડ લિસ્ટમાં મૂકવામાં આવશે.