બાર કાઉન્સિલ ઓફ ઈન્ડિયાએ ભારતમાં વિદેશી વકીલો અને લૉ ફર્મને ભારતમાં પ્રેક્ટીસ કરવા દેવા માટે મંજૂરી આપતા નિયમો પ્રકાશિત કરતા લો સોસાયટી ઓફ ઈંગ્લેન્ડ એન્ડ વેલ્સે તેનું સ્વાગત કર્યું છે.
લૉ સોસાયટીના પ્રમુખ લુબના શુજાએ કહ્યું હતું કે “અમને તાજેતરમાં બાર કાઉન્સિલ ઑફ ઈન્ડિયા અને ભારતના લૉ સેક્રેટરી સાથે મળીને આ મુદ્દા પર ચર્ચા કરીને આનંદ થયો છે. બાર કાઉન્સિલ ઓફ ઈન્ડિયાનો નિર્ણય લાંબા સમયથી ચાલતા આ મુદ્દામાં આગળનું એક મહત્વપૂર્ણ પગલું છે અને બંને દેશોમાં વકીલો અને ભારતીય વકીલો માટે વિશાળ તકો ઊભી કરશે. તે ભારતની વ્યાપક આર્થિક મહત્વાકાંક્ષાઓને પણ વેગ આપશે. અમે લાંબા સમયથી આ ઐતિહાસિક ક્ષણ માટે ઝુંબેશ ચલાવી છે અને ગયા અઠવાડિયાની રચનાત્મક અને ફળદાયી ચર્ચા બદલ બાર કાઉન્સિલ ઑફ ઈન્ડિયા અને ભારતીય કાયદા અને ન્યાય મંત્રાલયનો આભાર માનીએ છીએ. ઇંગ્લેન્ડ અને વેલ્સ ભારતીય વકીલો અને લૉ ફર્મ માટે કામચલાઉ પ્રેક્ટિસ અને પેઢીની કાયમી સ્થાપના કરવા માટે ખુલ્લું છે અને તે ખુલ્લું રહે તેની ખાતરી કરવા માટે પ્રતિબદ્ધ છીએ.’’