ભારતીય ક્રિકેટ ટીમે ફરી એકવાર એક જ સમયે ક્રિકેટની ત્રણે ફોર્મેટ – ટેસ્ટ મેચ, વન-ડે અને ટી-20 ઈન્ટરનેશનલ્સમાં આઈસીસી રેન્કિંગ્સમાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું હતું. ઈંગ્લેન્ડ સામેની પાંચમી અને અંતિમ ટેસ્ટ મેચમાં ભારતના જ્વલંત વિજય પછી જાહેર થયેલા નવા ટેસ્ટ રેન્કિંગ્સમાં 4636 પોઈન્ટ અને 122 રેન્કિંગ્સ સાથે ટીમ પ્રથમ ક્રમે પહોંચી ગઈ હતી. ઓસ્ટ્રેલિયા બીજા અને ઈંગ્લેન્ડ ત્રીજા ક્રમે તથા ન્યૂઝીલેન્ડ ચોથા ક્રમે છે.
ઈંગ્લેન્ડ 111 રેટિંગ સાથે ત્રીજા સ્થાને અને ન્યૂઝીલેન્ડ 101 રેટિંગ સાથે ચોથા સ્થાને છે. જો ઓસ્ટ્રેલિયા ન્યુઝીલેન્ડ સામેની બીજી ટેસ્ટ જીતી જશે તો પણ તે ભારતને નંબર-1માંથી હટાવી શકશે નહીં.
ભારતીય ટીમ ટેસ્ટ ચેમ્પિયનશિપના પોઈન્ટ્સ ટેબલમાં પણ પ્રથમ સ્થાને પહોંચી ગઈ હતી. વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપમાં ભારતીય ટીમના 74 પોઈન્ટ છે. તેના વિજયની ટકાવારી 68.51 છે. વન-ડે ઈન્ટરનેશનલ્સમાં ભારતીય ટીમ 121 રેટિંગ પોઈન્ટ સાથે પ્રથમ છે. બીજા સ્થાને રહેલી ઓસ્ટ્રેલિયાના 118 રેટિંગ પોઈન્ટ છે. સાઉથ આફ્રિકા 110 રેટિંગ પોઈન્ટ સાથે ત્રીજા સ્થાને છે. ટી-20 ઈન્ટરનેશનલ્સમાં પણ ભારતીય 266 રેટિંગ પોઈન્ટ સાથે ટોપના સ્થાને તથા ઈંગ્લેન્ડ 256 રેટિંગ પોઈન્ટ સાથે બીજા સ્થાને છે.