ભારતમાં કોરોનાના નવા કેસનો આંકડો બે લાખને પાર થઈ ગયો હતો અને 1,083 લોકોના મોત થયા હતા. દેશમાં એક્ટિવ કેસની સંખ્યા પણ 14 લાખને વટાવી ગઈ હતી. દેશમાં હવે કોરોનાના નવા કેસની સંખ્યા 1.41 કરોડની નજીક પહોંચી છે અને કુલ મૃત્યુઆંક વધીને 1,73,123 થયો હતો, એમ કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે ગુરુવારે સવારે આઠ વાગ્યે જણાવ્યું હતું.
સરકારના ડેટા મુજબ દેશમાં એક દિવસમાં કુલ 2,00,739 નવા કેસ નોંધાયા હતા.દેશમાં ગુરુવારે સતત નવમાં દિવસે કોરોનાના નવા કેસની સંખ્યા એક લાખથી વધુ રહી હતી. છેલ્લાં નવ દિવસમાં ભારતમાં કોરોનાના કેસમાં 13,88,515નો વધારો થયો હતો.
એક્ટિવ કેસની સંખ્યા સતત 36માં દિવસે વધીને 14,71,877 થઈ હતી, જે કુલ કેસના આશરે 10.46 ટકા છે. રિકવરી રેટ ઘટીને 88.31 ટકા થયો હતો. ભારતમાં 12 ફેબ્રુઆરીએ એક્ટિવ કેસની સંખ્યા સૌથી ઓછી 1,35,926 હતી.અત્યાર સુધી કોરોનાથી આશરે 1,24,29,564 લોકો રિકવર થયા છે. કોરોનાનો મૃત્યુદર કથળીને 1.23 ટકા થયો હતો. કુલ 1,038 મોતમાંથી મહારાષ્ટ્રમાં 278, છત્તીસગઢમાં 120 અને દિલ્હીમાં 104 લોકોના મોત થયા હતા.
દૈનિક બે લાખ કેસ ધરાવતો અમેરિકા પછી બીજો દેશ
દુનિયામાં અમેરિકા એકમાત્ર દેશ છે કે જ્યાં એક જ દિવસમાં કોરોનાના 2 લાખ કરતા વધારે કેસ નોંધાયા છે, અમેરિકામાં એક દિવસમાં 1 લાખ કેસ નોંધાયા પછી 21 દિવસ બાદ 2 લાખ પર આંકડો પહોંચ્યો હતો. અમેરિકામાં 30 ઓક્ટોબરે 1 લાખ કેસ થયા હતા અને પછી 20 નવેમ્બરે કેસ 2 લાખ પર પહોંચ્યા હતા. અમેરિકામાં વર્લ્ડઓમીટર ડોટ ઈન્ફો વેબસાઈટ મુજબ સૌથી વધુ એક દિવસમાં 8 જાન્યુઆરીના રોજ 3,09,035 કેસ નોંધાયા છે.
બુધવારે કોરોનાના કારણે એક જ દિવસમાં જીવ ગુમાવનારા દર્દીઓની સંખ્યા 1000ને પાર થઈ ગઈ છે, બુધવારે વધુ 1,038 લોકોએ કોરોનાના કારણે જીવ ગુમાવ્યો છે, જે 2 ઓક્ટોબર પછી સૌથી વધુ છે. મંગળવારે દેશમાં કોરોનાના કારણે 1,035 લોકોએ જીવ ગુમાવ્યો હતો.
નવ રાજ્યોમાં નવા કેસનો રેકોર્ડ
ઘણાં દેશમાં વધતા કેસો ચેતવણી સમાન સાબિત થઈ રહ્યા છે, 9 રાજ્યોમાં નવા કેસનો રેકોર્ડ તૂટ્યો છે. ઉત્તરપ્રદેશમાં એક જ દિવસમાં નવા 20,510 કેસ નોંધાયા છે. મહારાષ્ટ્રમાં એક જ દિવસમાં 20,000 કરતા વધારે કેસ નોંધાયા છે. 4 દિવસ અગાઉ રાજ્યમાં 10,000થી વધારે કેસ નોંધાતા હતા.દિલ્હીમાં પણ ઝડપથી કેસમાં વધારો નોંધાઈ રહ્યો છે, અહીં બુધવારે 71,282 કેસ નોંધાયા છે, અહીં 3 દિવસ પહેલા 10,000 કેસ નોંધાતા હતા. આ સિવાય અન્ય રાજ્યો છે કે જ્યાં એક દિવસમાં કોરોનાના નવા કેસનો રેકોર્ડ તોડ્યો છે તેમાં કર્ણાટકા (11,265), મધ્યપ્રદેશ (9,720), ગુજરાત (7,410), રાજસ્થાન (6,200), હરિણાયા (5,398), બંગાળ (5,892) અને બિહાર (4,786)નો સમાવેશ થાય છે.
મહારાષ્ટ્રમાં સૌથી કપરી સ્થિતિ
દેશમાં મહારાષ્ટ્રમાં સૌથી કપરી સ્થિતિ છે, જ્યાં એક જ દિવસમાં 58,952 કેસ નોંધાયા છે, મંગળવારે અહીં 60,212 નવા કેસ નોંધાયા હતા. રાજ્યમાં 24 કલાકમાં સૌથી વધુ 278 લોકોએ કોરોનાના કારણે જીવ ગુમાવ્યો છે. આ પછી છત્તીસગઢમાં 120 દર્દીઓએ જીવ ગુમાવ્યો છે, અને આ પછી દિલ્હીમાં 1004, ગુજરાતમાં 73, યુપીમાં 68, પંજાબમાં 63 અને મધ્યપ્રદેશમાં 51 લોકોએ કોરોનાના કારણે જીવ ગુમાવ્યો છે.