લંડનમાં માર્ચ 2023માં ઇન્ડિયન હાઇ કમિશન પર હુમલો કરવાના કેસમાં ભારતની નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી (NIA)એ તાજેતરમાં એક શખ્સની ગેરકાયદે પ્રવૃત્તિ કરવા બદલ ધરપકડ કરી હતી. આ ઉપરાંત ગત વર્ષે પાકિસ્તાનમાંથી ભારતમાં પ્રવેશ કરવા જતાં તેની અટારી બોર્ડર પર અટકાયત કરવામાં આવી હતી.
વેસ્ટ લંડનમાં હંસલોના રહેવાસી ઇન્દરપાલ સિંઘ ગાબાની ભારતમાં ઇન્સલ્ટ ઓફ નેશનલ ઓનર એક્ટ અને આઇપીસીની કલમ 34 હેઠળ ગત ગુરુવારે ધરપકડ કરવામાં આવી હતી. લંડનમાં ઇન્ડિયા હાઉસ સામે ગત વર્ષે 19 અને 22 માર્ચના રોજ મોટાપાયે હિંસક દેખાવો કરવામાં આવ્યો હતા. 19 માર્ચની ઘટનામાં દેખાવકારોના એક મોટા ગ્રુપે ભારતીય અધિકારીઓ પર હુમલા કર્યો હોવાનું જણાયું હતું. વધુમાં તેમણે હાઇ કમિશન બિલ્ડિંગને પણ નુકસાન કર્યું હતું અને ભારતના રાષ્ટ્રીય ધ્વજનું અપમાન કર્યું હતું. સૂત્રોના જણાવ્યા મુજબ, NIAની ટીમે લંડનની મુલાકાત પણ લીધી હતી. તપાસના ભાગરૂપે કેટલાક શકમંદોની પણ પૂછપરછ કરવામાં આવી હતી અને પંજાબ તેમ જ રાજસ્થાનમાં 31 સ્થળોએથી જપ્તી પણ લીધી હતી.
ઇન્દરપાલ સિંઘ ગાબા સહિતના શકમંદો સામે લૂક આઉટ સર્ક્યુલર કાઢવામાં આવ્યો હતો. તેની ગત વર્ષે 9 ડિસેમ્બરના રોજ પાકિસ્તાનમાંથી ભારતમાં પ્રવેશ કરતી વખતે અટારી બોર્ડર પર અટકાયત કરવામાં આવી હતી. ત્યાં તપાસના ભાગરૂપે તેનો મોબાઇલ ફોન જપ્ત કરવામાં આવ્યો હતો અને તેમાં રહેલી માહિતી મેળવીને તેનું વિશ્લેષણ કરવામાં આવ્યું હતું. લંડનમાં બે દિવસ થયેલા દેખાવો ઇન્ડિયન મિશન્સ પર હુમલો કરવાનું એક મોટું ષડયંત્ર હોવાનું તપાસમાં બહાર આવ્યું હતું.
ગત વર્ષે માર્ચમાં થયેલા હિંસક વિરોધનો મુદ્દો બ્રિટિશ સંસદમાં વારંવાર ઉઠાવવામાં આવ્યો હતો અને ત્યારથી લંડનમાં ઇન્ડિયન હાઈ કમિશનની બહાર મેટ્રોપોલિટન પોલીસ જોવા મળે છે. ખાલિસ્તાની ત્રાસવાદી જરનૈલ સિંઘ ભિંડરાનવાલેની હત્યા પછી અમ્રિતપાલ સિંઘ પોતાને તેના સ્થાને માને છે.
‘વારિસ પંજાબ દે’ સંગઠનના વડા અમ્રિતપાલ સિંઘ અત્યારે તેના નવ સાગરિતો સાથે આસામના દિબ્રુગઢની જેલમાં બંધ છે.