આગામી ફેબ્રુઆરી મહિનાના પહેલા વીકથી ઈંગ્લેન્ડની ટીમની ભારત પ્રવાસની ટેસ્ટ શ્રેણીની શરૂઆત થવાની છે અને પ્રથમ તથા બીજી ટેસ્ટ ચેન્નાઈમાં અનુક્રમે તા. 5 થી 9 તથા 13 થી 17 ફેબ્રુઆરી દરમિયાન રમાવાની છે. આ બે ટેસ્ટ મેચ માટે ભારતીય ક્રિકેટ બોર્ડે ટીમની પસંદગી કરી છે. સુકાનીપદે વિરાટ કોહલી ફરી મેદાનમાં ઉતરશે, તો ઈજાના કારણે ઓસ્ટ્રેલિયાનો પ્રવાસ ગુમાવી ચૂકેલા ઈશાંત શર્મા અને ઈજાગ્રસ્ત થતાં ઓસ્ટ્રેલિયાથી પાછા ફરેલા ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યાની 18 સભ્યોની ટીમમાં પસંદગી કરાઈ છે. ગુજરાતના સ્પિનર અક્ષર પટેલને પણ આ ટીમમાં તક અપાઈ છે.
મંગળવારે બ્રિસ્બેનમાં ચોથી ટેસ્ટમાં ભારતના વિજય પછી મળેલી પસંદગી સમિતિએ પસંદ કર્યા મુજબની ટીમમાં ચાર રીઝર્વ્ઝનો પણ સમાવેશ કરાયો છે, જો કે આ ઘરઆંગણાની સીરીઝ હોઈ રીઝર્વ્ઝ ટીમની સાથે પ્રવાસમાં સામેલ નહીં હોય, પણ જરૂર પડ્યે તેમને મોકલી અપાશે.
ટીમ આ મુજબ છેઃ વિરાટ કોહલી (સુકાની), રોહિત શર્મા, શુભમાન ગિલ, મયંક અગ્રવાલ, ચેતેશ્વર પુજારા, અજિંક્ય રહાણે, ઋષભ પંત, રીદ્ધિમાન સહા, કે. એલ. રાહુલ (ફિટનેસ ટેસ્ટને આધિન), હાર્દિક પંડ્યા, ઈશાંત શર્મા, શાર્દુલ ઠાકુર, જસપ્રીત બુમરાહ, મોહમ્મદ સિરાજ, આર. અશ્વિન, કુલદીપ યાદવ, વોશિંગ્ટન સુંદર અને અક્ષર પટેલ. ચાર રીઝર્વ્ઝ કે સ્ટેન્ડ બાયમાં ઝારખંડના સ્પિનર શાહબાઝ નદીમ, આંધ્ર પ્રદેશના વિકેટકીપર કે. એસ. ભરત, બંગાળના ઓપનિંગ બેટ્સમેન અભિમન્યા એશ્વરન તથા રાજસ્થાનના સ્પિનર રાહુલ ચહરનો સમાવેશ થાય છે.