શ્રીલંકામાં નાટકીય રાજકીય ઉથલપાથલ અંગે પ્રથમ પ્રતિક્રિયા આપતા ભારતે રવિવારે જણાવ્યું હતું કે તે લોકશાહી માધ્યમો, સ્થાપિત સંસ્થાઓ અને બંધારણીય માળખામાં રહીને શ્રીલંકાના લોકોની સમૃદ્ધિ અને પ્રગતિની આકાંક્ષામાં તેમની પડખે છે. કોલંબોમાં પ્રેસિડન્ટ ગોટાબાયાના સત્તાવાર નિવાસસ્થાન પર દેખાવકારોના કબજાના એક દિવસ બાદ ભારતના વિદેશ મંત્રાલયે આ નિવેદન આપ્યું છે. દેખાવકારોએ વડાપ્રધાન રાનીલ વિક્રમસિંઘના પ્રાઇવેટ હાઉસને પણ સળગાવી દીધું હતું.
વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગચીએ જણાવ્યું હતું કે ભારત શ્રીલંકાની ગતિવિધિ પર ચાંપતી નજર રાખી રહ્યું છે તથા શ્રીલંકા અને તેના લોકો સામેના ઘણા પડકારોથી ભારત માહિતગાર છે. પ્રેસિડન્ટ ગોટાબાયા અને વડાપ્રધાન રાનીલ વિક્રમસિંઘે શનિવારે રાજીનામાની જાહેરાત કરી હતી.
બાગચીએ જણાવ્યું હતું કે ભારત શ્રીલંકાનો સૌથી નજીકનો પડોશી દેશ છે અને આપણા બે દેશો ઊંડા જોડાણ ધરાવે છે. અમે શ્રીલંકા અને તેના લોકો સામેના ઘણા પડકારોથી માહિતગાર છીએ અને શ્રીલંકાના લોકો મુશ્કેલ સમયમાંથી બહાર આવવાનો પ્રયાસ કરી રહ્યાં છે, ત્યારે અમે શ્રીલંકાના લોકોના સમર્થનમાં છીએ.
આ વર્ષે ટાપુ દેશને આપેલી નાણાકીય સહાયનો ઉલ્લેખ કરતાં બાગચીએ જણાવ્યું હતું કે આપણી નેબરહૂડ ફર્સ્ટ પોલીસમાં શ્રીલંકા કેન્દ્રસ્થાને છે, તેથી ભારતે શ્રીલંકાની ગંભીર આર્થિક સ્થિતિમાં સુધારા માટે આ વર્ષે 3.8 અબજ ડોલરની અસાધારણ મદદ કરી છે. શ્રીલંકા છેલ્લાં કેટલાંક મહિનાઓથી ખાદ્ય ચીજવસ્તુઓ, ઇંધણ અને દવાની તીવ્ર અછતનો સામનો કરી રહ્યું છે. અર્થતંત્ર કટોકટીમાં છે અને મોટી સંખ્યામાં લોકો રસ્તા પર દેખાવો કરી રહ્યાં છે.