ભારત અને યુકે હેલ્થકેર સેક્ટરમાં કુદરતી ભાગીદારો છે અને ડિજિટલ સ્વાસ્થ્યના ઉભરતા ક્ષેત્રોમાં મજબૂત સહયોગ બનાવી શકે છે એમ ભારતના કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી મનસુખ માંડવિયાએ ગુરુવારે લંડનમાં ઈન્ડિયા-યુકે હેલ્થકેર કોન્ફરન્સમાં જણાવ્યું હતું.
નવી દિલ્હીથી વર્ચ્યુઅલ રીતે રોયલ કોલેજ ઓફ ફિઝિશિયન ખાતે યોજાયેલી વાર્ષિક કોન્ફરન્સની ચોથી આવૃત્તિને સંબોધતા તેમણે ઓક્સફર્ડ/એસ્ટ્રાઝેનેકાના વૈજ્ઞાનિકો દ્વારા વિકસિત રસીનું ઉત્પાદન કરતી સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ઇન્ડિયા (SII) અને ભારત દ્વારા યુકેમાં રસીના ઉત્પાદનની સરાહના કરી હતી. તેમણે જણાવ્યું હતું કે “ભારત અને યુકે કુદરતી ભાગીદારો છે અને આરોગ્યસંભાળ ક્ષેત્રમાં સહયોગ માટે ઇતિહાસ અને સંભવિતતા ધરાવે છે, જે રોગચાળાની પરિસ્થિતિ દરમિયાન વધુ મજબૂત બની છે. ભારત અને યુકે ફાર્માસ્યુટિકલ્સના ક્ષેત્રોમાં મજબૂત સહયોગની રાહ જોઈ શકે છે. ડિજિટલ હેલ્થ, જીનોમિક્સ, હેલ્થકેરમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI)નો ઉપયોગ કરી શકાય છે.’’
તેમણે ભારતને તબીબી પ્રવાસન માટે વૈશ્વિક હબ તરીકે સ્થાન આપવા માટે સરકારના હીલ ઇન ઇન્ડિયા અને હીલ બાય ઇન્ડિયાના વિઝન પર પ્રકાશ પાડ્યો હતો.
“વિશ્વની ફાર્મસી” તરીકે ભારતની સ્થિતિ અને આયુર્વેદ જેવી પરંપરાગત દવાઓનો લાંબો ઈતિહાસ લંડનમાં ભારતીય હાઈ કમિશન દ્વારા યુકેના ડિપાર્ટમેન્ટ ફોર ઈન્ટરનેશનલ ટ્રેડ સાથે આયોજિત દિવસભરની કોન્ફરન્સમાં ધ્યાન કેન્દ્રિત કરવા માટેના અન્ય પાસાઓમાંના એક હતા.
‘’બાયોટેક ઇનોવેશન, હેલ્થકેર સેવાઓ, ઇન્ફ્રાસ્ટ્રક્ચર જોગવાઈ અને હેલ્થકેર એજ્યુકેશનમાં યુકેની નિપુણતા દવા અને રસીના ઉત્પાદનમાં, કોન્ટ્રાક્ટ મેન્યુફેક્ચરિંગ અને તબીબી તાલીમમાં ભારતની ક્ષમતાઓ માટે પૂરક છે’’ એમ યુકેમાં ભારતીય હાઇ કમિશનર ગાયત્રી ઇસાર કુમારે જણાવ્યું હતું.
વાર્ષિક ઈન્ડિયા-યુકે હેલ્થકેર કોન્ફરન્સ, ભારતીય ઉદ્યોગ જૂથો FICCI અને CII તેમજ બ્રિટિશ એસોસિએશન ઑફ ફિઝિશ્યન્સ ઑફ ઈન્ડિયન ઓરિજિન (BAPIO) અને ફાર્માસ્યુટિકલ કંપનીઓ વોકહાર્ટ અને ઓરોબિંદો દ્વારા સમર્થિત હતી. આ કોન્ફરન્સ અગાઉ બર્મિંગહામમાં યોજાઈ હતી અને હવે આગામી વર્ષોમાં તે યુકેના અન્ય શહેરોમાં યોજાશે.