ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી પાસે રૂ. 2.23 કરોડથી વધુની મિલ્કત છે. તેમાંથી મોટાભાગની મિલ્કત બેંકોમાં થાપણ સ્વરૂપે છે. વડાપ્રધાન પાસે હવે કોઈ સ્થાવર સંપત્તિ નથી, કારણ કે તેમણે ગુજરાતના ગાંધીનગરમાં તેમની જમીનનો એક ભાગ દાનમાં આપ્યો છે, અને તેની કિંમત અંદાજે રૂ. 1.1 કરોડ છે.
આ માહિતી પ્રાઇમ મિનિસ્ટર ઓફિસની વેબસાઈટ પર PMની મિલકતની જાહેરાત પછી બહાર આવી છે. માહિતી અનુસાર, 31 માર્ચ 2022 સુધીમાં તેમની કુલ મિલકત રૂ. 2,23,82,504 હતી, જેમાં ગત વર્ષની તુલનાએ તેમની જંગમ મિલકતમાં રૂ. 26.13 લાખનો વધારો થયો છે.
વડાપ્રધાન મોદીએ જમીનનો જે હિસ્સો દાનમાં આપ્યો છે તે ઓક્ટોબર 2002માં જ્યારે તેઓ ગુજરાતના મુખ્ય પ્રધાન હતા ત્યારે ખરીદવામાં આવ્યો હતો. આ જમીન પર વધુ 3 લોકોનો પણ માલિકી હક્ક હતો. તેમાંથી પીએમ મોદી પાસે ચોથો ભાગ હતો, જે તેમણે દાનમાં આપી દીધો હતો.
31 માર્ચ, 2022 સુધીની માહિતી મુજબ, વડાપ્રધાન પાસે કુલ 35,250 રૂપિયાની રોકડ હતી. ઉપરાંત, પોસ્ટ ઓફિસમાં તેમના નામે રૂ. 9, 05, 105નું નેશનલ સેવિંગ્સ સર્ટિફિકેટ છે. આ સિવાય તેમની પાસે રૂ. 1, 89, 305નો જીવન વીમો પણ છે. ગત નાણાકીય વર્ષમાં તમામ 29 કેબિનેટ પ્રધાનોએ પોતાની અને તેમના આશ્રિતોની મિલકત જાહેર કરી હતી. સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ પાસે રૂ. 2.54 કરોડ રૂપિયાની જંગમ અને રૂ. 2.97 કરોડની સ્થાવર મિલકત છે.