રિઝર્વ બેન્ક વ્યાજદરોમાં વધારો કરી રહી છે ત્યારે સરકારે ગુરુવાર (29 સપ્ટેમ્બરે) કેટલીક નાની બચત યોજનાના વ્યાજદરમાં 0.30 ટકા સુધીનો વધારો કર્યો છે. વ્યાજદરમાં વધારાને પગલે પોસ્ટ ઓફિસમાં ત્રણ વર્ષની ડિપોઝિટમાં હાલના 5.5 ટકાની સામે 5.8 ટકા વ્યાજ મળશે, જે 0.30 ટકાનો વધારો દર્શાવે છે. ચાલુ નાણાકીય વર્ષના ત્રીજા ક્વાર્ટર માટે આ નવા વ્યાજદરનો લાભ મળશે.
ઓક્ટોબર-ડિસેમ્બર સમયગાળા માટે સિનિયર સિટિઝન સેવિંગ સ્કીમના વ્યાજદરને 7.4 ટકાથી વધારીને 7.6 ટકા કરવામાં આવ્યા છે. નાણા મંત્રાલયે એક નોટિફેકેશન જારી કરીને વ્યાજદરમાં આ વધારો કર્યો હતો.
કિસાન ક્રેડિટ કાર્ડના સંદર્ભમાં સરકારે મુદત અને વ્યાજદર બંનેમાં સુધારો કર્યો છે. રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાએ ચાલુ વર્ષના મે મહિના પછીથી તેના બેન્ચમાર્ક વ્યાજદરમાં 1.40 ટકાનો વધારો કર્યો છે. તેનાથી બેન્કોએ પણ ડિપોઝિટને વ્યાજદરમાં વધારો કર્યો છે. જોકે સરકારી નાની બચત યોજનાઓના વ્યાજદરમાં કરેલો આ વધારો આરબીઆઇના વ્યાજદર વધારા કરતાં ઘણો ઓછો છે.