ભારત સરકારે શુક્રવારે એપ્રિલ-જૂન 2023 ત્રિમાસિક ગાળા માટે મોટાભાગની પોસ્ટ ઓફિસ બચત યોજનાઓના વ્યાજદરમાં 0.7 ટકા સુધીનો વધારો કર્યો હતો. નાણા મંત્રાલયના નિવેદન મુજબ નેશનલ સેવિંગ્સ સર્ટિફિકેટ (NSC)ના વ્યાજદરમાં સૌથી વધુ વધારો થયો છે. આવા રાષ્ટ્રીય બચતપત્રોમાં હવે પહેલી એપ્રિલથી 30 જૂન 2023 દરમિયાન સાત ટકાની જગ્યાએ 7.7 ટકાનું વ્યાજ મળશે. સુકન્યા સમૃદ્ધિનો વ્યાજદર દર 7.6 ટકાથી વધારીને 8 ટકા કરવામાં આવ્યો છે.
વરિષ્ઠ નાગરિક બચત યોજના અને કિસાન વિકાસ પત્ર (KVP) પર વ્યાજદર અનુક્રમે 8.2 ટકા (અગાઉના 8 ટકાથી) અને 7.5 ટકા (અગાઉના 7.2 ટકા) કરાયા છે. KVPની પાકતી મુદત 120 મહિનાની જગ્યાએ હવે 115 મહિના થશે. લોકપ્રિય PPF અને સેવિંગ ડિપોઝિટના માટેના વ્યાજ દરો અનુક્રમે 7.1 ટકા અને 4 ટકાના દરે જાળવી રાખ્યા છે, જ્યારે અન્ય બચત યોજનાઓમાં 0.1 ટકા અને 0.7 ટકા વચ્ચે વધારો કર્યો છે.
ગયા ક્વાર્ટરમાં પણ વ્યાજદરમાં વધારો કરવામાં આવ્યો હતો. નાની બચત યોજનાઓ માટેના વ્યાજ દર ત્રિમાસિક ધોરણે નિર્ધારિત કરાય છે.
પોસ્ટ ઓફિસમાં એક વર્ષની ટર્મ ડિપોઝિટ માટેના વ્યાજદરને 6.6 ટકાથી વધારી 6.8 ટકા તથા બે વર્ષની ટર્મ ડિપોઝિટના વ્યાજદરને 6.8 ટકાથી વધારી 6.9 ટકા કરાયા છે. ત્રણ વર્ષની ટર્મ ડિપોઝિટના વ્યાજદર 6.9 ટકાથી વધારીને 7 ટકા અને પાંચ વર્ષની ટર્મ ડિપોઝિટના વ્યાજદર 7 ટકાથી વધારીને 7.5 ટકા કરાયા છે.
પબ્લિક પ્રોવિડન્ટ ફંડ (PPF) પર વ્યાજ દર 7.1 ટકા અને સેવિંગ્સ ડિપોઝિટનો 4 ટકા પર યથાવત રાખવામાં આવ્યો છે. માસિક આવક યોજના વ્યાજદર 0.3 ટકા વધારીને 7.4 ટકા કરાયો છે.
રિઝર્વ બેન્કે ગયા વર્ષના મે મહિનાથી બેન્ચમાર્ક વ્યાજદરને 2.5 ટકા વધારીને 6.5 ટકા કર્યો છે, જેના કારણે બેન્કોએ થાપણો પરના વ્યાજદરમાં પણ વધારો કર્યો છે. RBIએ ગયા મહિને રેપો રેટ અથવા ટૂંકા ગાળાના ધિરાણ દરમાં 0.25 ટકાનો વધારો કર્યો હતો. ગયા વર્ષના મે મહિના પછી રિઝર્વ બેન્કે વ્યાજદરમાં સતત છ વખત વધારો કર્યો છે. મે મહિનામાં 0.40 ટકા તથા જૂન, ઓગસ્ટ અને સપ્ટેમ્બર પ્રત્યેકમાં વ્યાજદરમાં 0.50 ટકાનો વધારો કર્યો છે.