નવરાત્રી તહેવાર દરમિયાન કેન્દ્ર સરકારે બુધવારે કેન્દ્રીય સરકારી કર્મચારીઓ માટે મોંઘવારી ભથ્થામાં અને પેન્શનરો માટે મોંઘવારી રાહતમાં 4%નો વધારો કર્યો હતો. કેબિનેટના નિર્ણયો અંગે કેન્દ્રીય પ્રધાન અનુરાગ ઠાકુરે જણાવ્યું હતું કે ડીએમાં વધારો પહેલી જુલાઈ 2023થી લાગુ કરવામાં આવશે.
આ 4 ટકાના વધારા સાથે મોંઘવારી ભથ્થું 42 ટકાથી વધારીને 46 ટકા કરવામાં આવ્યું છે. આ નિર્ણયથી કેન્દ્ર સરકારના 48.67 લાખ કર્મચારીઓ અને 67.95 લાખ પેન્શનધારકોને ફાયદો થશે.
મોંઘવારી ભથ્થું એવી રકમ છે, જે સરકારી કર્મચારીઓને મોંઘવારી વધવા છતાં તેમનું જીવનધોરણ જાળવી રાખવા માટે આપવામાં આવે છે. આ નાણાં સરકારી કર્મચારીઓ, જાહેર ક્ષેત્રના કર્મચારીઓ અને પેન્શનધારકોને આપવામાં આવે છે. દેશની વર્તમાન મોંઘવારી પ્રમાણે દર 6 મહિને તેની ગણતરી કરવામાં આવે છે.