દક્ષિણ ગુજરાતના ચાર જિલ્લા વલસાડ, તાપી, નવસારી અને ડાંગ જિલ્લામાં અનલોક-2માં કોરોનાના કેસમાં વધારો નોંધાયો છે. જેમાં સૌથી વધુ કેસ વલસાડ જિલ્લામાં કુલ આંક 526 પર પહોંચી ગયો છે. જ્યારે નવસારીમાં 398, તાપીમાં 92 અને ડાંગ જિલ્લામાં 4 કેસ થયા છે.
વલસાડ જિલ્લામાં 31 મે સુધી 42 કેસ હતા. ત્યારબાદ અનલોક-1માં 177 કેસનો વધારો નોંધાયો છે. જ્યારે અનલોક-2માં 345 કેસનો વધારો થયો છે. જેથી કોરોના પોઝિટિવનો કુલ આંક 526 પર પહોંચી ગયો છે. આ સાથે શહેર જિલ્લામાં કુલ મૃત્યુ 44 થયા છે અને કુલ 286 લોકો કોરોનામુક્ત થયા છે.
નવસારી જિલ્લામાં 31 મે સુધીમાં 26 કેસ હતા. જે અનલોક-1માં 79 કેસનો વધારો થયો હતો. ત્યારબાદ અનલોક-2ના 21 દિવસમાં 293 કેસનો વધારો થયો છે. જેથી નવસારી જિલ્લામાં કોરોના પોઝિટિવનો કુલ આંક 398 પર પહોંચી ગયો છે. આ સાથે શહેર જિલ્લામાં મૃત્યુઆંક 32 થયો છે અને કુલ 242 દર્દી કોરોનામુક્ત થયા છે.
તાપી જિલ્લામાં 31 મે સુધીમાં માત્ર 6 કેસ જ નોંધાયા હતા અને તમામ રિકવર થતા જિલ્લો કોરોના મુક્ત થયો હતો.
દરમિયાન અનલોક-1માં પણ બે દર્દી જ નોંધાયા હતા. જોકે, અનલોક-2ના 21 દિવસમાં જ 97 કેસ નોંધાયા છે. જેથી તાપી જિલ્લાનો પોઝિટિવ કેસનો આંક 105 પર પહોંચી ગયો છે. આ સાથે તાપી જિલ્લા અત્યાર સુધીમાં એક પણ મોત નોંધાયું નથી. જ્યારે 52 દર્દી કોરોનાને મ્હાત આપી ચૂક્યા છે.
ડાંગ જિલ્લામાં 31 મે સુધીમાં માત્ર બે કેસ નોંધાયા હતા. જે રિકવર થઈ જતા જિલ્લો કોરોના મુક્ત થયો હતો. દરમિયાન અનલોક-1માં ફરી બે કેસ નોંધાયા હતા. જે પણ રિકવર થતા ડાંગ જિલ્લો ફરી કોરોના મુક્ત થયો હતો. જોકે, અનલોક-2ના 21 દિવસમાં ફરી 7 કેસ નોંધાયા છે. જેથી ડાંગ જિલ્લામાં પોઝિટિવ કેસનો આંક 1 પર પહોંચી ગયો છે. આ સાથે તાપી જિલ્લા અત્યાર સુધીમાં એક પણ મોત નોંધાયું નથી. જ્યારે 8 દર્દી કોરોનાને મ્હાત આપી ચૂક્યા છે.