બીસીસીની ભારત ખાતેની ઓફિસોમાં ગુરુવાર, 16 ફેબ્રુઆરીએ સતત ત્રીજા દિવસે આવક વેરા વિભાગની સરવે કાર્યવાહી ચાલુ રહી હતી. બ્રિટિશ બ્રોડકાસ્ટિંગ કોર્પોરેશન (બીબીસી)ના દિલ્હી ઓફિસના ઓછામાં ઓછા 10 કર્મચારીઓ આ કાર્યવાહી ચાલુ થઈ ત્યારથી ઘેર ગયા નથી. આઇટીની સરવે કાર્યવાહી મંગળવાર સવારે 11.30 વાગ્યે ચાલુ થઈ હતી અને હવે તેને 45 કલાકથી વધુ સમય થઈ ગયો છે.
સૂત્રોના જણાવ્યા અનુસાર બીબીસીના કેટલાંક કર્મચારીઓ પાસેથી ખુલાસા માંગવામાં આવી રહ્યાં છે તથા ઇલેક્ટ્રોનિક અને પેપર આધારિત નાણાકીય માહિતી મેળવવામાં આવી રહી છે. કથિત ટેક્સચોરીની તપાસ કરવા માટે આવકવેરા વિભાગે મંગળવારે બીબીસીની દિલ્હી અને મુંબઈ ઓફિસ પર સરવે કાર્યવાહી ચાલુ કરી હતી.
અધિકારીઓએ જણાવ્યું હતું કે સરવે ટીમો ફાઇનાન્શિયલ ટ્રાન્ઝેક્શન, કંપનીના માળખા અને બીજી વિગતોના પ્રશ્નોના જવાબ માગી રહ્યાં છે તથા પુરાવા એકઠા કરવા માટે ઇલેક્ટ્રોનિક ઉપકરણોમાંથી ડેટા કોપી કરી રહ્યાં છે. આ કાર્યવાહી હજુ પણ ચાલી શકે છે. કાર્યવાહી ક્યારે બંધ કરવી તેનો નિર્ણય તપાકર્તા ટીમો જ કરશે.
બીસીસીના ફાઇનાન્સ સિવાયના બીજા સ્ટાફ અને પત્રકારોનો ઓફિસની બહાર અને અંદર જવાની છૂટ અપાઈ હતી. બીબીસીએ તેના સ્ટાફને સૂચના આપી છે કે તેઓ તપાસકર્તાઓને સહકાર આપે.
અધિકારીઓએ મંગળવારે જણાવ્યું હતું કે બીબીસીની પેટાકંપનીઓના ઇન્ટરનેશનલ ટેક્સેશન અને ટ્રાન્સફર પ્રાઇસિંગ સંબંધિત મુદ્દાની તપાસ માટે સરવે કરાઈ રહ્યો છે.
બીસીસી પરની સરવે કાર્યવાહીને રાજકીય મુદ્દો પણ બની ગયો છે. વિરોધ પક્ષોએ તેને રાજકીય કિન્નાખોરી ગણાવી છે. ભાજપે બીબીસી પર દ્વેષપૂર્ણ રીપોર્ટિંગ કરવાનો આક્ષેપ કર્યો હતો, જયારે વિરોધ પક્ષોએ આ કાર્યવાહીના સમય અંગે સવાલ ઉઠાવ્યા હતા. અહીં ઉલ્લેખનીય છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અંગેની “ઇન્ડિયા ધ મોદી ક્વેશ્ચન” નામની બે ભાગની ડોક્યુમેન્ટ્રી પ્રસારિત કરી હતી. પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ આ કાર્યવાહીને “ખૂબ જ દુર્ભાગ્યપૂર્ણ” અને ભાજપની આગેવાની હેઠળની કેન્દ્ર સરકાર દ્વારા રાજકીય બદલો ગણાવી હતી.