વડાપ્રધાન નરેન્દ્ર મોદી અંગેની બીબીસીની ડોક્યુમેન્ટરી અંગેના મોટા વિવાદના એક સપ્તાહ પછી મંગળવાર, 14 ફેબ્રુઆરીએ નવી દિલ્હી અને મુંબઈ ખાતેની બ્રિટિશ બ્રોડકાસ્ટિંગ કોર્પોરેશનની ઓફિસો પર આવકવેરા વિભાગે સર્વે કાર્યવાહી ચાલુ કરી હતી. વહેલી સવારે ઇનકમ ટેક્સ વિભાગની એક ટુકડી બીસીસીની ઓફિસો પર ત્રાટકી હતી અને સર્વે કાર્યવાહી ચાલુ કરી હતી. આ અંગે આવક વેરા વિભાગ તરફથી હજુ કોઇ સત્તાવાર માહિતી આપવામાં આવી નથી.
મીડિયામાં સૂત્રોને ટાંકીને જણાવાયું હતું કે અધિકારીઓ બીબીસીને સંડોવતા ઇન્ટરનેશનલ ટેક્સેશન અને ટ્રાન્સફર પ્રાઈસિંગમાં કથિત અનિયમિતતાના આરોપો પર “સર્વે” કરી રહ્યા હતા. બીબીસી દિલ્હીની ઓફિસ પર આશરે 20 ટેક્સ ઓફિસરોએ સર્વે કાર્યવાહી ચાલુ કરી હતી. પ્રોડક્શન કામગીરી સાથે જોડાયેલા મુંબઈ ખાતેના બીબીસી સ્ટુડિયોમાં સર્ચ કાર્યવાહી ચાલુ થઈ હતી.
સૂત્રોએ જણાવ્યું હતું કે ટેક્સ ઓફિસરોએ દસ્તાવેજો જપ્ત કર્યા હતા તથા જર્નાલિસ્ટ્સના ફોન અને લેપટોપમાં જપ્ત કર્યા હતા. સર્વે કાર્યવાહી દરમિયાન ઓફિસોને સીલ કરાઈ છે.
ટેક્સ અધિકારીઓએ જણાવ્યું હતું કે આ સર્ચ નહીં, પરંતુ સર્વે કાર્યવાહી છે અને ફોન-લેપટોપ પરત કરાશે. આવકવેરા વિભાગના સૂત્રોએ જણાવ્યું હતું કે અમે કેટલીક સ્પષ્ટતા મેળવવા માગતા અને અને અમારી ટીમ બીબીસીની ઓફિસોએ પહોંચી છે. અમે સર્વે કાર્યવાહી કરી રહ્યાં છીએ. અમારી ટીમે હિસાબોની ચકાસણી કરવા ગઈ છે અને તે સર્ચ કાર્યવાહી નથી. ટેક્સ અધિકારીઓએ બેલેન્સશીટ અને હિસાબોની વિગતો માગી હોવાનું માનવામાં આવે છે.
બીબીસી તાજેતરમાં “ઈન્ડિયા: ધ મોદી ક્વેશ્ચન” નામની ડોક્યુમેન્ટરી માટે સમાચારમાં ચમકી હતી. ભારત સરકારે ઇન્ફોર્મેશન ટેક્નોલોજી નિયમો, 2021 હેઠળ કટોકટીની સત્તાનો ઉપયોગ કરીને, વિવાદાસ્પદ ડોક્યુમેન્ટરીની લિંક્સ શેર કરતા બહુવિધ YouTube વિડિઓઝ અને ટ્વિટર પોસ્ટ્સને બ્લોક કરવાનો આદેશ આપ્યો હતો.
કોંગ્રેસે આક્ષેપ કર્યો હતો કે મોદી અંગેની ડોક્યુમેન્ટરી માટે બીબીસીને ટાર્ગેટ કરાઈ રહી છે. કોંગ્રેસના નેતા જયરામે ટિપ્પણી કરી હતી કે “અહીં અમે અદાણી-હિંડનબર્ગ વિવાદમાં સંયુક્ત સંસદીય સમિતિ (જેપીસી)ની તપાસની માગણી કરી રહ્યાં છીએ અને સરકાર બીબીસીને ઘેરી રહી છે. વિનાશ કાલે વિપ્રિત બુદ્ધિ.