બે ઇન્ડિયન અમેરિકન કોંગ્રેસમેન એમી બેરા અને રો ખન્ના સહિત સિનસિનાટીના મેયર આફતાબ પુરેવાલનો અમેરિકન પ્રેસિડેન્ટ જો બાઇડેન અને વાઇસ પ્રેસિડેન્ટ કમલા હેરિસના 2024ના ચૂંટણી કેમ્પેઇન માટેના 50 સભ્યોના નેશનલ એડવાઇઝરી બોર્ડમાં સમાવેશ કરાયો છે.
યુએસ હાઉસ ઓફ રીપ્રેઝન્ટેટિવ્ઝનાં ભૂતપૂર્વ સ્પીકર નેન્સી પેલોસી બોર્ડનાં અધ્યક્ષા તરીકે કાર્યરત રહેશે. એક અધિકૃત જાહેરાતમાં જણાવવામાં આવ્યું છે કે, એડવાઇઝરી બોર્ડ વિજયી થવા માટે ગઠબંધનના નિર્માણ અને વિસ્તરણ કરવાના અભિયાનના પ્રયાસોને મદદ કરશે. 2020માં આવા જ અભિયાને બાઇડેનને પ્રેસિડેન્ટ બનાવી વ્હાઇટ હાઉસમાં મોકલ્યા હતા. એમી બેરા યુએસ કોંગ્રેસમાં સૌથી લાંબા સમય સુધી સેવા આપનાર ઇન્ડિયન અમેરિકન છે અને રો ખન્ના કોંગ્રેસનલ ઇન્ડિયા કૌકસના સહ-ચેરમેન છે. જ્યારે, આફતાબ પુરેવાલ, ઓહાયોના શહેરના મેયર તરીકે ચૂંટાયેલા પ્રથમ ઇન્ડિયન અમેરિકન અને તિબેટિયન અમેરિકન છે.