યુનેસ્કોએ ગુજરાતના પરંપરાગત ગરબાને તેની ‘માનવતાના અમૂર્ત સાંસ્કૃતિક વારસાની પ્રતિનિધિ યાદી’માં સામેલ કરવાની મંજૂરી આપી છે, એવી મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે બુધવારે જાહેરાત કરી હતી. ભારતે આ યાદીમાં સમાવેશ કરવા માટે ગુજરાતભરમાં અને દેશના અન્ય ઘણા ભાગોમાં નવરાત્રિ ઉત્સવ દરમિયાન રજૂ કરાયેલા ગરબાને નોમિનેટ કર્યાં હતાં.
2003ના અમૂર્ત સાંસ્કૃતિક વારસાની સુરક્ષા માટેના સંમેલન હેઠળ મંગળવારે બોત્સ્વાનાના કસાનેમાં શરૂ થયેલી અમૂર્ત સાંસ્કૃતિક વારસાની સુરક્ષા માટેની આંતરસરકારી સમિતિની 18મી બેઠક દરમિયાન આ અંગે નિર્ણય કરાયો હતો.
મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે આ અંગે ટ્વિટ કરીને જાણકારી આપતાં જણાવ્યું હતું કે 2023ના અમૂર્ત સાંસ્કૃતિક વારસા તરીકે ગરબાને જાહેર કરવામાં આવ્યા છે. આ ગુજરાત રાજ્ય માટે એક ગૌરવવંતી ક્ષણ છે. તે ભારતની પ્રાચીન સંસ્કૃતિને વિશ્વ દ્વારા આપવામાં આવેલ સન્માન છે. હું વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્ર સરકારનો ભારતની વર્ષો જૂની વિરાસત અને સંસ્કૃતિને વૈશ્વિક મંચ પર ઉજાગર કરવાના તમામ પ્રયાસો માટે આભાર માનું છું.
ગુજરાતની સંસ્કૃતિની આ એક ઓળખ સમાન છે. નવ દિવસના આ તહેવારમાં ગુજરાતીઓ જ નહીં હવે તો દેશ-વિદેશમાં પણ લોકો ગરબાની મજા માણે છે.