અમેરિકાની આપબળે ધનિક બનેલી ટોચની 100 મહિલાઓની ફોર્બ્સની 2023ની યાદીમાં જયશ્રી ઉલ્લાલ અને ઇન્દ્રા નૂયી સહિત ભારતીય મૂળની ચાર મહિલાઓનો સમાવેશ કરાયો છે. આ ધનિક મહિલાઓની કુલ નેટવર્થ $4.06 બિલિયન છે. જયશ્રી ઉલ્લાલ કમ્પ્યુટર નેટવર્કિંગ કંપની અરિસ્ટા નેટવર્કસના પ્રેસિડન્ટ અને સીઇઓ છે, જ્યારે ઇન્દ્રા નૂયી પેપ્સિકોના ભૂતપૂર્વ ચેરમેન અને સીઇઓ હતા.
યાદીમાં આઇટી કન્સલ્ટિંગ એન્ડ આઉટસોર્સિંગ કંપની સિન્ટેલના સહ-સ્થાપક નીરજા શેઠી તથા ક્લાઉડ કંપની કન્ફ્લુએન્ટના સહ-સ્થાપક અને ભૂતપૂર્વ ચીફ ટેક્નોલોજી ઓફિસર (CTO) નેહા નારખેડેનો પણ સમાવેશ થયો છે.
યાદીમાં 15મા ક્રમે રહેલા જયશ્રી ઉલ્લાલની કુલ સંપત્તિ 2.4 બિલિયન ડોલર છે. તેઓ 2008થી લિસ્ટેડ કંપની અરિસ્ટા નેટવર્ક્સના પ્રેસિડન્ટ અને સીઈઓ છે. તેઓ કંપનીના 2.4 ટકા ઇક્વિટી હિસ્સાની માલિકી ધરાવે છે. અરિસ્ટાએ 2022માં આશરે USD 4.4 બિલિયનની આવક નોંધાવી હતી. તેઓ સપ્ટેમ્બર 2020માં લિસ્ટિંગ કરાવનારી ક્લાઉડ કમ્પ્યુટિંગ કંપની સ્નોફ્લેકના બોર્ડ ઓફ ડિરેક્ટર્સમાં પણ છે. 62 વર્ષીય જયશ્રી ઉલ્લાલે સાન ફ્રાન્સિસ્કો સ્ટેટ યુનિવર્સિટીમાં ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગની ડીગ્રી મેળવી હતી.
68 વર્ષના નીરજા શેઠી 990 મિલિયન ડોલરની નેટવર્થ સાથે આ યાદીમાં 25મા ક્રમે છે. સેઠી અને તેમના પતિ ભરત દેસાઈ દ્વારા 1980માં સહ-સ્થાપિત સિન્ટેલને ફ્રેંચ IT ફર્મ એટોસે ઓક્ટોબર 2018માં 3.4 બિલિયન ડોલરમાં ખરીદી હતી. સેઠીને તેમના હિસ્સા માટે અંદાજે 510 મિલિયન ડોલર મળ્યા હતાં. તેમણે દિલ્હી યુનિવર્સિટીમાંથી આર્ટ્સ/સાયન્સ અને માસ્ટર ઓફ બિઝનેસ એડમિનિસ્ટ્રેશન તથા ઓકલેન્ડ યુનિવર્સિટીમાંથી માસ્ટર ઓફ સાયન્સ કર્યું હતું.
38 વર્ષના નેહા નારખેડે 520 મિલિયન ડોલરની નેટવર્થ સાથે યાદીમાં 50મા ક્રમે છે. એક લિન્ક્ડઇન સોફ્ટવેર એન્જિનિયર તરીકે તેમણે નેટવર્કિંગ સાઇટના ડેટાના મોટા પ્રવાહને નિયંત્રિત કરવા માટે ઓપન-સોર્સ મેસેજિંગ સિસ્ટમ Apache Kafka ડેવલપ કરવામાં મદદ કરી હતી. 2014માં તેમણે અને લિન્ક્ડઇનના બે સાથીદારોએ Confluentની સ્થાપના કરી હતી. 586 મિલિયન (2022 આવક)ની આ કંપનીએ જૂન 2021માં 9.1 બિલિયન ડોલરના વેલ્યુએશન સાથે લિસ્ટિંગ કરાવ્યું હતું. ફોર્બ્સે જણાવ્યું હતું કે નારખેડે આ કંપનીમાં લગભગ 6 ટકા હિસ્સો ધરાવે છે. માર્ચ 2023માં, નારખેડેએ તેની નવી ફ્રોડ ડિટેક્શન કંપની ઓસિલરની સ્થાપના કરી હતી. આ કંપનીના તેઓ સહ-સ્થાપક અને CEO છે.