ઓક્સફર્ડ ડિક્શનરીમાં દર વર્ષે તેની નવી આવૃત્તિમાં હિંદી અને ઇંગ્લિશ બંને ભાષાના લોકો બોલચાલમાં ઉપયોગ કરતા શબ્દોને ડિક્શનરીમાં સ્થાન આપે છે.. મંગળવારે ડિક્શનરીની લોન્ચ કરાયેલી નવી આવૃત્તિમાં ‘દેશ’ અને ‘બિંદાસ સહિત ૮૦૦ શબ્દોને સામેલ કરાયા હતા.
ઓક્સફર્ડે દિયા, બચ્ચા અને અલમીરા જેવા શબ્દોને પણ શબ્દકોષમાં ઉમેર્યા છે. ઉલ્લેખનીય છે કે, ભારતમાં લગભગ ૧૩ કરોડ લોકો ઇંગ્લિશ બોલે છે અને ડિક્શનરીમાં નવા શબ્દોના સમાવેશથી હિંદી અને ઇંગ્લિશ વચ્ચેનો ગેપ ઘટ્યો છે. ઓક્સફર્ડ ઇંગ્લિશ ડિક્શનરી (ઓઇડી)ના ઉચ્ચારોના એડિટર ડો. કેથરીન સેંગેસ્ટરે જણાવ્યું હતું કે, “દેશ અને બિંદાસ સહિત કુલ ૮૦૦ શબ્દોનો ડિક્શનરીમાં સમાવેશ કરાયો છે. જેમાં દિયા (દિવાળી જેવા ધાર્મિક તહેવારોમાં પ્રચલિત), બચ્ચા (બાળક, યુવા પ્રાણી) અને અલમીરા (ઊભું કબાટ કે સ્ટોરેજ યુનિટ) જેવા શબ્દો પણ સામેલ છે.”
ઓક્સફર્ડ ઇંગ્લિશ ડિક્શનરીની ઇંગ્લિશ એડિટર ડેનિસા સાલાજારે જણાવ્યું હતું કે, “ભારતમાં જે ઇંગ્લિશ બોલાય છે તેના શબ્દોને ઓક્સફર્ડ ઇંગ્લિશ ડિક્શનરીમાં સમાવેશ દુનિયાભરમાં ઇંગ્લિશ બોલતા લોકો માટે ઘણો મહત્વનો રહેશે. આ એક મહત્વનું પગલું છે. તેને લીધે ઓક્સફર્ડ ઇંગ્લિશ ડિક્શનરીને પણ તેના વિસ્તરણમાં બહુ મદદ મળશે.”