રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે એક જાણીતા પર્યટન સ્થળ તરીકે પ્રતિષ્ઠિત કચ્છના સફેદ રણમાં મંગળવાર 26 ડિસેમ્બરે એક નવા આકર્ષણનો ઉમેરો થયો છે. રાજ્યના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ સાંજે 6:30 વાગ્યે સફેદ રણ વૉચટાવર ખાતે લાઇટ એન્ડ સાઉન્ડ શોનું ઉદ્ઘાટન કર્યું હતું. સફેદ રણની પૃષ્ઠભૂમિ સામે લાઇટ એન્ડ સાઉન્ડ શો અદભૂત નજારો ઓફર કરે છે.

વિલેજની થીમ આધારિત શણગાર પ્રવાસીઓને કચ્છના સમૃદ્ધ ઇતિહાસ અને સંસ્કૃતિથી પરિચિત કરાવશે. કચ્છડો ખેલે ખલકમેં થીમ પર સાંસ્કૃતિક કાર્યક્રમ, દૈનિક સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ સાથે થીમ પેવેલિયન, ક્રાફ્ટ સ્ટોલ, ખાણી-પીણી બજાર, ક્રિએટિવ ફુડ ઝોન અને સાહસિક પ્રવૃત્તિઓનું પણ આયોજન કરવામાં આવ્યું છે.

નરેન્દ્ર મોદીએ કચ્છના ધોરડોમાં રણોત્સવની શરુઆત કરાવી હતી, જેને હવે આંતરરાષ્ટ્રીય ખ્યાતિ પ્રાપ્ત થઇ છે અને કચ્છના અર્થતંત્રને નવી ઊર્જા મળી છે. ગત વર્ષ 2022-23માં 3.5 લાખ જેટલા પ્રવાસીઓએ સફેદ રણની મુલાકાત લીધી હતી. આ વર્ષે 2023-24માં અત્યાર સુધીમાં 1.75 લાખ જેટલા પ્રવાસીઓ અહીં આવી ચૂક્યા છે.

કચ્છમાં ધોળાવીરા, સ્મૃતિવન, રીજનલ સાયન્સ સેન્ટર અને ભુજના ઐતિહાસિક સ્થળોની મુલાકાત પ્રવાસીઓ લઇ શકશે. સફેદ રણમાં પ્રવાસન વિકાસથી, સ્થાનિકોને વિવિધ ક્ષેત્રે રોજગારીની નવી તકો ઉપલબ્ધ બની છે. કચ્છી ભરતકામ અને હસ્તકલાના નમૂનાઓ પણ દેશ-વિદેશના લોકોમાં પ્રખ્યાત છે. રણોત્સવ થકી કચ્છી હેન્ડિક્રાફ્ટ્સના કલાકારોને પોતાની કલાકૃતિઓને વેચવા માટે એક વૈશ્વિક બજાર મળે છે.

LEAVE A REPLY