ભારતમાં સ્વાસ્થ્ય મંત્રાલયના આંકડા પ્રમાણે મંગળવારના રોજ દેશમાં કોરોના વાયરસના કુલ કેસ વધીને 906752 સુધી પહોંચી ગયા છે. છેલ્લા 24 કલાક દરમિયાન કોરોનાના 28498 નવા કેસ નોંધાયા છે. જોકે, એક સારી બાબત એ પણ છે કે ભારતમાં ધીમે ધીમે કોરોનાની બિમારીમાંથી સ્વસ્થ્ય થનારા લોકોની સંખ્યા પણ વધી રહી છે. ભારતમાં હવે કોરોના વાયરસનો રિકવરી રેટ 63.02 ટકા સુધી પહોંચી ગયો છે.
દેશમાં છેલ્લા 24 કલાકમાં 17989 લોકો સ્વસ્થ્ય થયા છે. આ સાથે જ આ આંકડો વધીને 571460 સુધી પહોંચી ગયો છે જે કોરોનાના એક્ટીવ કેસ કરતા વધારે થઈ ગઈ છે. જ્યારે છેલ્લા 24 કલાકમાં 553 લોકોએ કોરોનાના કારણે પોતાનો જીવ ગુમાવ્યો છે. આ સાથે જ કોરોના વાયરસના કારણે મોતને ભેટનાર લોકોની સંખ્યા વધીને 23727 સુધી પહોંચી ગઈ છે.
જેનાથી સ્પષ્ટ થાય છે કે મંગળવાર સવાર સુધીમાં દેશભરમાં કોરોના વાયરસના 311565 એક્ટિવ કેસ છે. મહારાષ્ટ્રમાં અત્યાર સુધીમાં કોરોના વાયરસના કુલ 260924 કેસ નોંધાયા છે જ્યારે 10482 લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે. મહારાષ્ટ્ર બાદ તમિલનાડૂમાં કોરોના વાયરસના સૌથી વધારે કેસ નોંધાયા છે.
તમિલનાડૂમાં અત્યાર સુધીમાં કુલ 142798 કેસ નોંધાઈ ચૂક્યા છે જેમાંથી 2032 લોકો કાળનો કોળિયો બની ગયા છે. ત્યારબાદ દિલ્હીમાં 113740 કેસ નોંધાયા છે જ્યારે 3371 લોકોએ જીવ ગુમાવ્યા છે. ગુજરાતમાં 42810 લોકો સંક્રમણમાં આવ્યા છે 2057 લોકોના મોત થયા છે.