સાઉથ લંડન નજીક 10 વર્ષની એક બાળકીના મોત કેસમાં પાકિસ્તાનમાં ત્રણ આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી અને પછી તેમને યુકે મોકલવામાં આવ્યા હતા. સાઉથ લંડનની બહારના વિસ્તાર વોકિંગના ઘરમાં સારા શરીફ નામની બાળકી 10 ઓગસ્ટના રોજ મૃત હાલતમાં મળી આવી હતી, તેના શરીર પર અનેક ઇજાના નિશાન હતા.

બ્રિટિશ પોલીસે બાળકીનાં પિતા ઉરફાન શરીફ, તેમની પત્ની બીનાશ બાતૂલ અને ભાઇ ફૈસલ મલિકની ઓળખ એવા લોકો તરીકે કરી હતી કે જેમની સાથે તેઓ તપાસ માટે પૂછપરછ કરવા ઇચ્છતા હતા. આ ત્રણેય લોકો 9 ઓગસ્ટના રોજ પાકિસ્તાન ભાગી ગયા હતા,

આ દંપતી સેન્ટ્રલ પાકિસ્તાનમાં ક્યાંક છૂપાઇ ગયું હતું અને પોલીસે તેમની શોધખોળ આદરી હતી. સિયાલકોટ પોલીસના પ્રવક્તા ખાન મુદાસ્સરે તેમની ધરપકડ થઇ હોવાની પુષ્ટી કરીને જણાવ્યું હતું કે, આ ત્રણેયને ફેડરલ ઇન્વેસ્ટિગેશન એજન્સીને સોંપવામાં આવ્યા છે. તેમને પૂર્વ પંજાબ પ્રાંતના સિયાલકોટથી બ્રિટન લઇ જવામાં આવ્યા હતા. બ્રિટિશ પોલીસે અગાઉ જણાવ્યું હતું કે, મેડિકલ તપાસમાં બાળકીના મોતનું કોઇ ચોક્કસ કારણ જાણવા મળ્યું નથી, પરંતુ તેનાં શરીર પર અનેક ઇજા જોવા મળી હતી.

પાકિસ્તાન પોલીસને સેન્ટ્રલ પાકિસ્તાન ખાતેના ઉરફાન શરીફના પારિવારિક ઘરમાંથી મૃત બાળકીના એકથી 13 વર્ષ સુધીની ઉંમરના પાંચ ભાઇઓ-બહેનો પણ મળી આવ્યા હતા. કોર્ટે આ બાળકોને રાવલપિંડી શહેરમાં ચાઇલ્ડ પ્રોટેક્શન બ્યૂરોમાં રાખવાનો આદેશ કર્યો હતો. પોલીસે આ કેસમાં ઉરફાન શરીફના પિતા, ભાઇઓ, પિતરાઇઓ સહિત દસ લોકોની અટકાયત કરી હતી.

LEAVE A REPLY