રાજકોટ જિલ્લાના વીછિંયા ગામમાં કથિત રીતે તાંત્રિક વિધિમાં એક દંપતીએ હવનકુંડમાં પોતાના મસ્તકની આહુતી આપતા ચકચાર મચી ગઈ હતી. અંધશ્રદ્ધામાં પતિ-પત્નીએ તાંત્રિક વિધિમાં કમળ પૂજા કર્યા બાદ પોતાના મસ્તકને કાપીને હવનકુંડમાં હોમી દીધા હતા. આહુતી સીધી હવનકુંડમાં પડે તે માટે દંપતિએ ગીલોટિન જેવો માંચડો બનાવ્યો હતો. તાંત્રિકવિધિ દરમિયાન આ પગલુ ભર્યુ હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું હતી. ઘટનાની જાણ થતા પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો.
પોલીસે જણાવ્યું હતું કે દંપતીએ અંધશ્રદ્ધાળુ અથવા કાળા જાદુની ધાર્મિક વિધિનો ભાગ હતો કે નહીં તે હજુ સુધી જાણી શકાયું નથી. જોકે પોલીસને બંનેના અંગૂઠાની છાપ સાથે ગુજરાતીમાં એક હસ્તલિખિત નોંધ મળી હતી, જેમાં લખ્યું હતું કે તેઓએ સ્વેચ્છાએ આપઘાત કરે છે અને કોઇને જવાબદાર ગણવામાં આવે નહીં.
વિંછીયામાં રહેતા 38 વર્ષના હેમુભાઈ મકવાણા અને તેમના 35 વર્ષના પત્ની હંસાબેન મકવાણા છેલ્લા કેટલાય સમયથી કથિત રીતે તાંત્રિક વિધિમાં જોડાયેલા હતા અને અંધશ્રદ્ધામાં વિવિધ વિધિઓ કરતા હતા. 15 એપ્રિલના દિવસે તેઓ પોતાના બાળકોને તેમના મામાના ઘરે મુકી આવ્યા હતા અને ત્યારબાદ પોતાના ખેતરમાં ગયા હતા. પોતાના ખેતરમાં પહોંચીને તેમને કમળપૂજાની વિધિ શરૂ કરી હતી. આ કમળપૂજાની વિધિના અંતે પતિ પત્નીએ બંનેએ પોતાના મસ્તકની અગ્નિકુંડમાં હોમી દીધા હતા.
છેલ્લા ત્રણ વર્ષથી આ દંપત્તિ તાંત્રિક વિધિ સાથે સંકળાયેલુ હતું. ઘટનાની જાણ થતા વિંછિયા મામલતદાર પણ ઘટના સ્થળે દોડી આવ્યા હતા. પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી હતી.