development of Pavagadh

એકાવન શક્તિપીઠ પૈકીની એક શક્તિપીઠ પાવાગઢ તીર્થક્ષેત્રમાં યાત્રી સુવિધા અને પ્રવાસન વિકાસ સહિતની નવનિર્માણ કામગીરીની સર્વગ્રાહી સમીક્ષા ગાંધીનગરમાં
મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે ઉચ્ચસ્તરીય બેઠકમાં હાથ ધરી હતી. રાજ્ય સરકાર પાવાગઢમાં માંચી ચોક ખાતે ૧૩ કરોડ રૂપિયાના વિકાસ કામો તેમજ પંચમહોત્સવ ઉજવાય છે તે સ્થળ વડા તળાવ બ્યૂટિફિકેશન સહિતની સુવિધા માટે ૮૦ કરોડ રૂપિયાના વિકાસ કામો હાથ ધરશે. ચાંપાનેરમાં હેરિટેજ સાઇટના વિકાસ માટે રૂ. ૩૩ કરોડના પ્રોજેક્ટસ પણ શરૂ થવાના છે. આમ સમગ્રતયા પાવાગઢ તીર્થક્ષેત્રના વિકાસના ફેઝ-૩ અને ફેઝ-૪ નો કુલ મળીને રૂ. ૧૮૩.૩પ કરોડનો ખર્ચ આવનારા દિવસોમાં ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ આ પ્રોજેક્ટસના અમલીકરણ દ્વારા કરવાનું છે. પાવાગઢ ખાતે આવનારા નવયુવાઓ અને રમતપ્રેમી નાગરિકોના મનોરંજન માટે એડવેન્ચર એક્ટિવીટીઝ પણ હાથ ધરવામાં આવી રહી છે અને આગામી ૧૧ ફેબ્રુઆરીથી ૧૭ ફેબ્રુઆરી દરમિયાન હોટ એર બલૂન, પેરાગ્લાઇડીંગ, રોક કલાઇમ્બિંગ, પેરાશૂટ, પેરા મોટરીંગ જેવી સાહસિક પ્રવૃત્તિઓનું પણ આયોજન કરા આવશે. અત્રે એ ઉલ્લેખનીય છે કે રાજ્ય સરકારે ગયા વર્ષે રૂ.૧૭૯.૦૦ કરોડના ખર્ચે ફોર લેન હાઇવે, માંચી ચોકથી મંદિર પરીસર સુધીના પગથીયાનું નવીનીકરણ, પીવાના પાણીની વ્યવસ્થા, શૌચાલયની સગવડ તથા સમગ્ર મંદિર પરીસરનું પુનઃનિર્માણ કરી યાત્રાળુઓની સુવિધાઓમાં અનેકગણો વધારો કર્યો છે.
તા. ૧૮ જૂન-૨૦૨૨ના દિવસે વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના હસ્તે પાંચ શતક બાદ શ્રી મહાકાળી માતાજી મંદિરના નવનિર્મિત શિખર ઉપર ધ્વજારોહણ થયું હતું અને ત્યારબાદ પાવાગઢ યાત્રાધામ ખાતે યાત્રાળુઓની સંખ્યામાં દિન-પ્રતિદિન ધરખમ વધારો જોવા મળ્યો છે. છેલ્લા ૪ મહિનામાં જ ૫૦ લાખ કરતા વધુ યાત્રીકોએ પાવાગઢમાં મા કાળીના દર્શન કરી ધન્યતા અનુભવી છે.

LEAVE A REPLY