સામાન્ય રીતે બોલીવૂડની ફિલ્મોમાં બે મુખ્ય અભિનેતા-અભિનેત્રીના પ્રણય પ્રસંગો, પ્રેમગીતો, વિરહ અને મિલન વગેરે દૃશ્યો જોવા મળે છે. પરંતુ કેટલીક ફિલ્મોમાં અભિનેતાના જીવન સંઘર્ષની અને સફળતાની કથા હોય છે. કેટલીક ફિલ્મોમાં નવા-આધુનિક યુગના ચોર કે ગેંગસ્ટરની રક્તરંજિત કહાની પણ હોય છે. બીજી તરફ, બહુ ઓછી હિન્દી ફિલ્મો પિતા-સંતાન વચ્ચેના સંબંધ પર બની છે. સામાન્ય રીતે ભારતીય સમાજમાં પોતાનાં સંતાનોને સુખી, શિસ્તપ્રિય, સુશિક્ષિત બનાવવા પિતા સત સંઘર્ષ કરતા હોય છે. જ્યારે માતા પોતાની મમતા, વ્હાલથી સંતાનોને સંસ્કારી અને પરિવારપ્રિય બનાવે છે. કેટલીક હિન્દી ફિલ્મોમાં પિતા અને સંતાનો વચ્ચેના સંબંધમાં પિતાના વિવિધ સ્વરૂપ જોવા મળ્યાં છે. અહીં બોલીવૂડના પિતાના વિવિધ સ્વરૂપો રજૂ કરવામાં આવ્યા છે.
શક્તિ
દિગ્દર્શક રમેશ સિપ્પીની ફિલ્મ શક્તિ એટલે પ્રામાણિક પોલીસ ઓફિસર પિતા અશ્વિની કુમાર (દિલીપકુમાર) તથા જીવનમાં સતત નિષ્ફળતા અને વાદ-વિવાદમાં ઘુમરાતા રહેતા પુત્ર વિજય(અમિતાભ બચ્ચન)ના ખાટા-મીઠાસંબંધના આરાહ-અવરોહની કથા છે. પિતા-પુત્ર વચ્ચે થતાં વાદ-વિવાદ અને રોષ-આક્રોષ વચ્ચે પત્ની અને માતા શીતલ(રાખી) સતત ચિંતિત રહે છે. પોલીસ ઓફિસર પિતા અશ્વિનીકુમાર એમ ઇચ્છે છે કે પુત્ર વિજય પણ એક સભ્ય અને સુશિક્ષિત નાગરિક બને. પિતા અશ્વિનીકુમારના આવા વિચારો અને શિસ્ત દીકરા વિજયના મનમાં મોટો ઝંઝાવાત સર્જે છે.
માસૂમ
ગુંજન સક્સેના ધ કારગીલ ગર્લ ફિલ્મમાં પોતાની દીકરીની મહત્વાકાંક્ષા પૂર્ણ કરવા તમામ પ્રકારના પડકાર અને અવરોધ વચ્ચે લોખંડી દિવાલની જેમ ઊભા રહેતા પિતાનું દર્શન થાય છે. વધુમાં કહીએ તો ઇન્ડિયન એરફોર્સની પાયલટ બનવા ઇચ્છતી પુત્રી ગુંજન સક્સેના (જાહ્નવી કપૂર)ને ભારતીય લશ્કરના કર્નલ પિતા અનુપ સક્સેના (પંકજ ત્રિપાઠી) મન, કર્મ, વચનથી પ્રોત્સાહન આપે છે. દીકરી ગુંજન પ્રતિભાશાળી, બાહોશ, નિડર હોવાથી અનુપ સક્સેના પિતાની ઉત્તમ ભૂમિકા ભજવે છે. સામાજિક અને પારિવારિક વિરોધ વચ્ચે પણ પિતા અનુપમ સક્સેના પુત્રી માટે અખંડ સુરક્ષાકવચરૂપ બની રહે છે. અંતે ગુંજન સક્સેના એરફોર્સમાં પાયલટ બનીને ઝળહળતી કામગીરી કરે છે. ફિલ્મમાં પિતા અનુપ સક્સેના દીકરી ગુંજનને કહે છે, બેટા, પ્લેન લડકા ઉડાયે યા લડકી, દોનોં કો પાયલટ હી બોલતે હૈં. આ સંવાદ દ્વારા પિતા તેની પુત્રીને સમજાવે છે કે, શૌર્યસભર, પડકારરૂપ, સાહસિક, રાષ્ટ્રની સેવા માટે સ્ત્રી અને પુરુષ વચ્ચેનો ભેદભાવ હોતો નથી.
દિલવાલે દુલ્હનિયાં લે જાયેંગે
ભારત સહિત વિદેશમાં ખૂબ જ લોકપ્રિય બનેલી આ ફિલ્મમાં અભિનેતા રાજ મલ્હોત્રા (શાહરૂખ ખાન)ના પિતા ધર્મવીર મલ્હોત્રા (અનુપમ ખેર) અને અભિનેત્રી સીમરન (કાજોલ)ના પિતા બલદેવ સિંહ ચૌધરી( અમરીષ પુરી)નાં પાત્રનાં સ્વરૂપમાં મોટો તફાવત છે. એટલે કે ધર્મવીર મલ્હોત્રા પુત્ર રાજ સાથે મિત્ર જેવો સંબંધ રાખે છે. પુત્ર રાજ સાથે મજાક-મસ્તી કરે છે. બંને સાથે મળીને ડ્રિંક્સ પણ માણે છે, અને એટલે જ રાજ પોતાના પ્રેમ સંબંધની બધી વાત પિતાને કરે છે. ખુશ મિજાજી પિતા તો પોતાના પુત્ર રાજ અને તેની પ્રેમિકા સીમરન બંને લગ્ન કરે તે માટે તમામ જોખમ ઉઠાવે, સંઘર્ષ પણ કરે છે. બીજી તરફ, સીમરનના કડક અને શિસ્તપ્રિય પિતા બલદેવ સિંહ ચૌધરી (અમરિશ પુરી) ઇચ્છે કે આખો પરિવાર તેમના આદેશનું જ પાલન કરે. સીમરન અને રાજ મલ્હોત્રા વચ્ચે પ્રેમ પાંગરે છે, જેની જાણ બલદેવ સિંહને પણ થતી નથી. આમ છતાં, ફિલ્મના અંતનાં દૃશ્યોમાં ટ્રેનમાં બેસીને જતો રાજ પોતાની પ્રેમિકા સીમરનને પણ સાથે આવવા કહે છે ત્યારે પડદા પર ખૂબ જ લાગણીસભર દૃશ્યો સર્જાય છે. જોકે, છેલ્લે કડક પિતા બલદેવ સિંહનું હૃદય પીગળી જાય છે અને દીકરીને કહે છે કે, જા સીમરન જા, જી લે અપની ઝિંદગી. અમરિશ પુરીનો આ સંવાદ ખૂબ જ લોકપ્રિય બની ગયો છે.