ભારતના ઉભરતા બેડમિન્ટન સ્ટાર લક્ષ્ય સેનનો ગયા સપ્તાહે જાપાનમાં રમાઈ ગયેલી જાપાન ઓપન બેડમિન્ટન ટુર્નામેન્ટમાં સંઘર્ષપૂર્ણ મુકાબલા પછી સેમિ ફાઈનલમાં જ પરાજય થયો હતો. એશિયન ગેમ્સના ચેમ્પિયન અને વિશ્વના 9મા ક્રમના ખેલાડી, ઈન્ડોનેશિયાના જોનાથ ક્રિસ્ટીએ 21-15, 13-21, 21-15થી સેનને હરાવ્યો હતો. આ મુકાબલા અગાઉ બન્ને વચ્ચે બે જંગ ખેલાયા હતા અને બન્નેનો એક-એકમાં વિજય થયો હતો.
21 વર્ષના લક્ષ્ય સેન સિવાય ભારતની પી. વી. સિંઘુ કંગાળ ફોર્મના પગલે વધુ એકવાર પહેલા રાઉન્ડમાં જ હારી ગઈ હતી, તો એચએસ પ્રણોય અને ડબલ્સની સાત્વિક સાઈરાજ અને ચિરાગ શેટ્ટીની જોડી ક્વાર્ટર ફાઈનલ સુધી પહોંચી શકી હતી.