હરિયાણામાં ચરખી દાદરી જિલ્લાના બધરા ટાઉનમાં તાજેતરમાં એક અનોખી ઘટના ઘટી હતી. 78 વર્ષના જગદીશચંદ્ર આર્ય અને તેમનાં 77 વર્ષનાં પત્ની ભાગલી દેવી ઘરમાં મૃત હાલતમાં મળી આવ્યાં. આટલી મોટી ઉંમરે કોઈ વ્યક્તિ બીમારીને કારણે આત્મહત્યા કરે તો માની શકાય, પરંતુ પરિવારના ત્રાસથી કંટાળીને આટલું વૃદ્ધ દંપતી પોતાનું જીવન ટૂંકાવે તે ચોંકાવનારી ઘટના છે. આ દંપતીએ ઝેર ખાતાં પહેલાં લખ્યું હતું કે તેમના પુત્ર પાસે રૂ. 30 કરોડની મિલકત છે, પરંતુ તેણે આ દંપતીને બે ટંકનું ભોજન આપવાનો પણ ઈનકાર કર્યો હતો.
આ દંપતી અગાઉ અન્ય દીકરા (મહેન્દ્ર) સાથે રહેતું હતું, પરંતુ તેમનાં નસીબ કે એ ખવડાવનારો દીકરો છ વર્ષ પહેલાં મૃત્યુ પામ્યો. પુત્રવધૂએ તેમને ઘરમાંથી હાંકી કાઢ્યા હતા. આથી આ દંપતી વૃદ્ધાશ્રમમાં ગયું અને બે વર્ષ ત્યાં વીતાવ્યા. પછી તેઓ અન્ય પુત્ર (વીરેન્દ્ર)ના ઘરે રહેવા આવ્યાં, જેની પાસે રૂ. 30 કરોડથી વધુની મિલકત છે. પરંતુ આ પુત્ર અને તેની પત્ની વૃદ્ધ દંપતીને વધ્યું-ઘટ્યું ભોજન જ આપતાં હતાં. 77 વર્ષીય ભાગલી દેવીને તો લકવાની બીમારી થઈ ગઇ હતી. પોતાના દીકરા અને તેમની પત્નીઓના આ વર્તનથી ત્રાસીને આ દંપતીએ ઝેર પી લીધું હતું. જગદીશચંદ્ર આર્યએ સુસાઈડ નોટમાં લખ્યું કે તેમના પોતાના નામે એક પ્રોપર્ટી છે, જે આર્ય સમાજને આપી દેવી અને તેમના મૃત્યુ માટે જવાબદાર દીકરા અને બે પુત્રવધૂઓને સજા થવી જોઈએ. તેમણે એવું પણ લખ્યું હતું કે, પરિવારના જ આ જવાબદાર લોકોને જ્યાં સુધી સજા ન થાય ત્યાં સુધી તેમના આત્માને શાંતિ મળશે નહીં. મહત્વની બાબત એ છે કે વીરેન્દ્રનો પુત્ર આઈએએસ ઓફિસર છે. એટલે કે આ વૃદ્ધ દંપતીનો પૌત્ર આઈએએસ અધિકારી છે.