ગુજરાત સરકારે બુધવારે ફિક્સ પે કર્મચારીઓના વેતનમાં 30 ટકાનો વધારો કરવાનો નિર્ણય કર્યો હતો. મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં મળેલી કેબિનેટની બેઠકમાં આ નિર્ણય કરવામાં આવ્યો હતો. રાજ્યમાં કર્મચારીઓના પગાર વધારાનો અમલ પહેલી ઓક્ટોબરથી થશે. જેનાથી સરકારની તિજોરી ઉપર વાર્ષિક રૂ. 500 કરોડથી પણ વધુ ભારણ વધશે.
આ બેઠકમાં સરકારે રાજ્યના ફિક્સ પે કર્મચારીઓને નવરાત્રીના તહેવારો દરમિયાન 30 ટકા પગાર વધારાની ભેટ આપી હતી. ફિક્સ પે કર્મચારીઓ પગારવધારા માટે લાંબા સમયથી માગણી કરી રહ્યાં હતા.
રાજ્ય સરકારના નિર્ણયથી 61,560 કર્મચારીઓને પગાર વધારાનો લાભ મળશે. 20%ના વધારાની અટકળ વચ્ચે રાજ્ય સરકારે 30 ટકાનો વધારો આપતા કર્મચારીઓમાં ખુશીનું મોજું છવાઈ ગયું હતું.
આ નિર્ણયથી વર્ગ-3ના 4400 ગ્રેડ પે ધરાવતા કર્મચારીઓનો પ્રવર્તમાન માસિક ફિક્સ પગાર રૂ. 38,090 થી વધીને રૂ.49,600 થશે. ઉપરાંત વર્ગ-3 ના 4200 અને 2800 ગ્રેડ પે ધરાવતા કર્મચારીઓનો પ્રવર્તમાન માસિક ફિક્સ પગાર રૂ.31,340થી વધીને રૂ.40,800 થશે. વર્ગ-3ના 2400, 2000, 1900 અને 1800 ગ્રેડ પે ધરાવતા કર્મચારીઓનો પ્રવર્તમાન માસિક ફિક્સ પગાર રૂ.19,950થી વધીને રૂ.26,000 થશે. વર્ગ-4ના 1650,1400 અને 1300 ગ્રેડ પે ધરાવતા કર્મચારીઓનો પ્રવર્તમાન માસિક ફિક્સ પગાર રૂ.16,224થી વધીને રૂ.21,100 થશે.