ચીનના લશ્કરે ગલવાન ખીણ વિસ્તારના પેટ્રોલ પોઇન્ટ–૧૪ ખાતે પોતાના દ્વારા ઊભા કરાયેલા તંબૂઓ અને અન્ય માળખા દૂર કર્યા હતા. જોકે, અગાઉ સૂત્રોએ જણાવ્યું હતું કે ગલવાનમાં સરહદ પરના વિસ્તારોમાં ચીનના ભારે શસ્ત્રોથી સજ્જ વાહનો હજી પણ રાખવામાં આવ્યા છે જેને કારણે ભારતીય લશ્કર સમગ્ર સ્થિતિને ખૂબ સતર્કતાથી જોઈ રહ્યું છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શુક્રવારે લેહની મુલાકાત લીધી એને પગલે ચીનની પીછેહઠ શરૂ થઈ રહી છે. મોદીએ લેહમાં લશ્કરના તેમ જ હવાઈદળના અને ઇન્ડો–તિબેટિયન બોર્ડર પોલીસ (આઇટીબીપી)ના જવાનો સાથે ચર્ચા કરી હતી અને તેમને ખૂબ જોશ તથા ઉત્સાહ અપાવ્યા હતા.
પૂર્વીય લદ્દાખમાં ભારત અને ચીની સૈનિકો વચ્ચે ૧૫મી જૂને જે હિંસક અથડામણ થઈ હતી એને ધ્યાનમાં રાખીને મોદીએ સમગ્ર પરિસ્થિતિની સમીક્ષા માટે તેમ જ ચીનના સંભવિત વધુ પગપેસારા તથા આક્રમણ સામે સાવધ રહેવાની સૈનિકોને સૂચના આપવાના હેતુથી ચીફ ઑફ ડિફેન્સ સ્ટાફ (સીડીએસ) જનરલ બિપિન રાવત અને લશ્કરના વડા એમ. એમ. નરાવણે સાથે લેહ–લદ્દાખની મુલાકાત લીધી હતી.
મોદીએ એ મુલાકાત વખતે સંબોધનમાં જણાવ્યું હતું કે ‘આ સમયકાળ વિસ્તારવાદનો નહીં, પણ વિકાસનો છે.’ એવું કહીને મોદીએ ચીનને સ્પષ્ટ શબ્દોમાં ચેતવણી આપી દીધી હતી. વડાપ્રધાન મોદીની લેહ-લદ્દાખ ખાતેની ઓચિંતી મુલાકાત થોડા અઠવાડિયાઓથી ભારતે ચીન સામે જે આકરું વલણ અપનાવ્યું છે એનો જ એક હિસ્સો કહી શકાય.
ભારતે ચીનને કેટલાક મુદ્દે બરાબરનું ભીંસમાં લીધું છે. (૧) ભારત થોડા વર્ષોથી અને ખાસ કરીને થોડા સપ્તાહથી ચીન સાથે આંખમાં આંખ મિલાવીને વાત કરે છે. બીજી રીતે કહીએ તો ભારત હવે ચીનના પીપલ્સ લિબરેશન આર્મી (પીએલએ)થી જરાય નથી ગભરાતું. (૨) ભારતમાં ચીનની કંપનીઓ સીધા વિદેશી રોકાણનો માર્ગ આપોઆપ અપનાવી શકે એવા માર્ગને ભારતે બંધ કરી દીધો છે. (૩) કોવિડ-૧૯ના ઉદ્ભવની બાબતમાં ચીનના વલણ વિરુદ્ધ તપાસ કરવાની વિશ્ર્વભરમાંથી (૧૨૩ દેશોની) જે માગ ઊઠી છે એમાં જોડાઈને ભારતે ચીન-વિરોધી પવનને વધુ ઉગ્ર બનાવ્યો છે. (૪) વર્ષોથી પાડોશી દેશોની ભૂમિના હિસ્સા પર કબજો કરવાની ચીનની આદત રહી છે.
જોકે, વડા પ્રધાન મોદીએ અને તેમના પ્રધાનમંડળે આ સંબંધમાં સમગ્ર વિશ્ર્વને જાગ્રત કર્યું છે અને ચીનને ખુલ્લું પાડ્યું છે. એ રીતે, ભારતે બીજાની જમીન હડપ કરવાના ચીનના પ્રયાસો પર જાણે ફુલ-સ્ટૉપ મુકાવી દીધું છે. (૫) ભારતે તાજેતરમાં જ ચીનની ૫૯ ઍપ પર પ્રતિબંધ મૂકી દીધો છે અને ચીનને પાઠ શીખવી દીધો છે કે રક્ષણવાદ એ કંઈ એકતરફી પ્રવાહ નથી.
ભારતે ગયા મહિને જ વિશ્ર્વને સંબોધવાના આશયથી જણાવ્યું હતું કે ‘ચીન મે મહિનાની શરૂઆતથી પૂર્વીય લદ્દાખમાં લાઇન ઑફ ઍક્ચ્યૂઅલ ક્ધટ્રોલ (એલએસી) પર સૈન્ય ગોઠવી રહ્યું છે અને શસ્ત્ર-સરંજામનો ખડકલો કરી રહ્યું છે. જો ચીનનું વલણ આવું જ રહેશે તો બન્ને દેશોના દ્વિપક્ષી સંબંધો બગડી જતાં વાર નહીં લાગે અને એશિયાના આ ભાગમાં તંગદિલી વધી જતાં વાતાવરણ પણ બગડી શકે.’
ભારતના વિદેશ ખાતાના પ્રવક્તા અનુરાગ શ્રીવાસ્તવે કડક શબ્દોમાં નિવેદન આપ્યું હતું કે ‘ચીનના દળો બન્ને રાષ્ટ્રો વચ્ચે નક્કી થયેલી શરતોનું સંપૂર્ણપણે ઉલ્લંઘન કરી રહ્યા છે. ૧૫મી જૂને ગલવાન ખીણપ્રદેશમાં જે કંઈ બની ગયું એ માટે ચીન જ જવાબદાર છે.’
દરમિયાન, પૅન્ગોન્ગ ત્સો નામના સરહદ પરના વિસ્તારમાં હજી પહેલા જેવી જ તંગદિલી છે. ત્યાં સંભવિત ઘર્ષણને ટાળવાના હેતુથી હજી સુધી ચીન દ્વારા કોઈ જ નક્કર પગલાં નથી ભરવામાં આવ્યા, એમ સોમવારે મોડી સાંજે મળેલા અહેવાલમાં જણાવાયું હતું. આ વિસ્તારમાં ચીને મોટી સંખ્યામાં માળખા સ્થાપ્યા છે અને ફિંગર ૪થી ૮ સુધીના ૮ કિલોમીટરના વિસ્તાર પર કબજો કર્યા પછી કેટલાક પર્વતો પર પણ અડ્ડો જમાવ્યો છે.
આ વખતે (ખાસ કરીને ૧૫મી જૂનની જીવલેણ ઘટના જેમાં ભારતના ૨૦ જવાનો શહીદ થયા હતા) ભારત સરહદ પર ચીનનો પ્રતિકાર કરવાની બાબતમાં ખૂબ જ આત્મનિશ્ર્ચયી છે. ગલવાન અને હૉટ-સ્પ્રિંગ્સ નામના વિસ્તારોમાં ભારતના પીપી-૧૪, ૧૫ તથા ૧૭એ નામના પ્રદેશોમાં ચીન સૈન્યને પાછું તો ખેંચી રહ્યું છે, પરંતુ ભારત એની આખી હિલચાલ પર બારીકાઈથી નજર રાખી રહ્યું છે. બેઉ દેશો વચ્ચે થયેલી મંત્રણા મુજબ બન્ને દેશના સૈન્ય ૨.૫થી ૩.૦૦ કિલોમીટરના તબક્કામાં પાછા હટશે અને ત્યાર બાદ લાઇન ઑફ ઍક્ચ્યૂઅલ ક્ધટ્રોલ પરથી પણ લશ્કરી મથકો દૂર કરાશે.
અજિત ડોભાલે ચીનના વિદેશ પ્રધાન સાથે ચર્ચા કરી: ભારત-ચીન સીમા વિવાદ મામલે ભારતના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજિત ડોભાલે ચીનના વિદેશ પ્રધાન વાન્ગ યી સાથે રવિવારે ફોન પર ચર્ચા કરી હતી અને બંને પક્ષે લાઇન ઑફ ઍક્ચ્યુઅલ (એલએસી) સેના પાછી ખેંચવા માટે સહમતિ સધાઇ હોવાની માહિતી વિદેશ મંત્રાલયે જાહેર કરી હતી.
સરહદ વિશેની ચર્ચા માટે ડોભાલ અને વાન્ગ બંને દેશના પ્રતિનિધિ છે.
વિદેશ મંત્રાલયે જાહેર કરેલા નિવેદનમાં જણાવ્યા અનુસાર વાતચીતને ઊંડાણપૂર્વક અને ખુલ્લા દિલની ગણાવાઇ હતી. આ ચર્ચા દરમિયાન બંને દેશની સેના એલએસી પરથી શિસ્તબદ્ધ અને તબક્કાવાર રીતે પાછી હટવાની વાત પર સહમતિ સધાઇ હતી. બંને એ વાત પર સહમત થયા હતા કે બંને બાજુની સેનાએ એલએસીને આદર આપવો અને એમાં ફેરફાર કરવા માટે કોઇ જાતના એક તરફી નિર્ણય ન લેવા. આ સાથે સરહદની શાંતિ અને સમન્વયમાં બાધા થાય એવા કોઇપણ પગલાં ન લેવા.