In five years 30 lakh Indian students went abroad for studies
પ્રતિકાત્મક તસવીર (istockphoto)

છેલ્લાં પાંચ વર્ષમાં ભારતના આશરે 30 લાખ વિદ્યાર્થીઓ ઉચ્ચ અભ્યાસ માટે વિદેશ ગયા છે. લોકસભામાં શિક્ષણ મંત્રાલયે એક સવાલના જવાબમાં જણાવ્યું હતું કે ૨૦૨૨માં વિદેશ જતી વખતે ૭.૫૦ લાખ ભારતીયોએ પ્રવાસનો હેતુ અભ્યાસ કે શિક્ષણ જણાવ્યો હતો. અગાઉના વર્ષોમાં આ આંકડો ૪.૪ લાખ (૨૦૨૧), ૨.૫૯ લાખ (૨૦૨૦), ૫.૮૬ લાખ (૨૦૧૯), ૫.૧૭ લાખ (૨૦૧૮) અને ૪.૫૪ લાખ (૨૦૧૭) રહ્યો હતો.

ગૃહ મંત્રાલય હેઠળ ઇમિગ્રેશન બ્યૂરો ભારતીયોના વિદેશ ગમન અને આગમનની માહિતી રાખે છે. જોકે, ઉચ્ચ શિક્ષણના હેતુથી વિદેશ જતા ભારતીયોની માહિતી મેળવવા કોઈ વ્યવસ્થાતંત્ર નથી. ઉચ્ચ શિક્ષણ માટે વિદેશ જતા ભારતીયોનો હેતુ ઇમિગ્રેશન ક્લીયરન્સ વખતે તેમણે મૌખિક રીતે આપેલી માહિતી પરથી મળે છે.

સરકારને પ્રશ્ન પુછાયો હતો કે ભારતીય વિદ્યાર્થીઓ વિદેશમાં દેશના શિક્ષણ બજેટ કરતાં ઘણી વધુ રકમ ખર્ચે છે એ હકીકત છે? સરકાર પાસે આ ભંડોળ બચાવવા ‘ઉચ્ચ સ્તરની આંતરરાષ્ટ્રીય યુનિવર્સિટી’ સ્થાપવાની કોઇ દરખાસ્ત છે?” તેના જવાબમાં સરકારે જણાવ્યું હતું કે, અત્યારે દેશમાં આંતરરાષ્ટ્રીય યુનિવર્સિટી સ્થાપવાની કોઈ દરખાસ્ત નથી. જોકે યુનિવર્સિટી ગ્રાન્ટ્સ કમિશન (યુજીસી)એ ભારતમાં વિદેશી ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓના સંકુલ સ્થાપવા માટે નિયમો બનાવવા મુસદ્દો તૈયાર કર્યો છે.

LEAVE A REPLY