7 માર્ચ, 2024ના રોજ કેનેડાના ઓન્ટારિયોના બારહેવનના ઓટ્ટાવા સબર્બમાં ઘરની અંદર ચાર બાળકો અને બે પુખ્ત વયના લોકો મૃત હાલતમાં મળી આવ્યા પછી ઓટ્ટાવા પોલીસ સર્વિસના અધિકારીઓએ ઘરને ઘેરી લીધું હતું. REUTERS/Blair Gable

કેનેડાની રાજધાની ઓટ્ટાવામાં બુધવારે મોડી રાત્રે એક માતા અને ચાર નાના બાળકો સહિત શ્રીલંકાના છ લોકોની છરીના ઘા મારીને હત્યા કરાઈ હતી. કેનેડામાં આવી સામૂહિક હત્યાઓ દુર્લભ હોવાથી આ ઘટનાથી આખો દેશ હચમચી ઉઠ્યો હતો. મૃતકોમાં 35 વર્ષીય મહિલા અને તેના 7, 4, 2 વર્ષ તથા 2 મહિનાના બાળકો તેમજ 40 વર્ષીય એક વ્યક્તિનો સમાવેશ થાય છે

વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોએ કહ્યું હતું કે તેઓ ભયંકર ઘટનાથી વિચલિત બન્યા છે. પરિવારના પિતા પણ હુમલામાં ઘાયલ થયા હતાં અને હોસ્પિટલમાં દાખલ કરાયાં હતાં. પોલીસે જણાવ્યું હતું કે શ્રીલંકાના 19 વર્ષીય પુરૂષ વિદ્યાર્થી ફેબ્રિયો ડી-ઝોયસાની ધરપકડ કરાઈ છે અને તેની સામે હત્યા અને હત્યાના પ્રયાસના આરોપો મૂકવામાં આવ્યા છે. ડી-ઝોયસા પરિવારને જાણતો હતો અને તે ઘરમાં રહેતો હતો.

ઓટ્ટાવા પોલીસ ચીફ એરિક સ્ટબ્સે મીડિયાને જણાવ્યું કે, બુધવારે રાત્રે 10.52 કલાકની આસપાસ 911 પર બે ફોન આવ્યા હતા. ગણતરીની મિનિટોમાં જ પાલ્માડિયો ડ્રાઈવ પાસે આવેલા મકાનમાં પોલીસ પહોંચી ગઈ હતી. મૃતક પરિવાર શ્રીલંકાનો નાગરિક હતો અને તાજેતરમાં જ કેનેડા આવ્યો હતો. મૃતકોમાં 35 વર્ષીય દર્શાની, તેની સાત વર્ષની દીકરી ઈનુકા વિક્રમસિંઘે, ચાર વર્ષની દીકરી અશ્વિની વિક્રમસિંઘે, બે વર્ષની દીકરી રિનાયા વિક્રમસિંઘે અને બે મહિનાની દીકરી કેલી વિક્રમસિંઘેનો સમાવેશ થાય છે. દર્શાનીનો પતિ ઈજાગ્રસ્ત છે અને હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. દર્શાનીના પતિની ઓળખ ધનસુખ વિક્રમસિંઘે તરીકે થઈ છે. વિક્રમસિંઘે પરિવારની સાથે 40 વર્ષના અન્ય એક શખ્સની પણ આ ઘરમાં હત્યા થઈ હતી. પોલીસના કહેવા પ્રમાણે હુમલાખોર પણ શ્રીલંકન નાગરિક છે અને કેનેડામાં સ્ટુડન્ટ તરીકે આવેલો છે.

LEAVE A REPLY