કેનેડામાં હેટ ક્રાઈમ, વંશીય હિંસા અને ભારત વિરોધી પ્રવૃત્તિઓ – ઘટનાઓમાં વધારો થયો છે. આ સંજોગોમાં હાલમાં ત્યાં વસતા ભારતીય નાગરિકો તથા વિદ્યાર્થીઓને સાવધ રહેવા સલાહ અપાયાનું ભારતના વિદેશ મંત્રાલયે શુક્રવારે એક એડવાઈઝરીમાં જણાવ્યું હતું. વિદેશ મંત્રાલય અને કેનેડામાં ભારતીય હાઈકમિશને ત્યાંના તંત્ર સમક્ષ આ ઘટનાઓનો મુદ્દો ઉઠાવ્યો છે અને યોગ્ય કાર્યવાહી કરવા આગ્રહપૂર્વક અનુરોધ કર્યો છે.

એડવાઈઝરીમાં વિદેશ મંત્રાલયે જણાવ્યું હતું કે, આવા ગુનાના અપરાધીઓ સામે કેનેડામાં હજુ કાનૂની કાર્યવાહી કરાઈ નથી. કેનેડામાં અંદાજે ૧૬ લાખ ભારતીયો તેમજ ભારતીય કેનેડિયન લોકો વસવાટ કરે છે. આ સિવાય 17 ભારતીય કેનેડિયન સાંસદ અને ત્રણ કેબિનેટ પ્રધાનો છે, જેમાં સંરક્ષણ પ્રધાન અનીતા આનંદનો સમાવેશ થાય છે. ભારતીયોમાં હવે શિક્ષણ માટે અમેરિકાના બદલે કેનેડાનું આકર્ષણ પણ વધ્યું છે.

ભારતીય વિદેશ મંત્રાલયે જણાવ્યું હતું કે, કેનેડામાં આવા અપરાધના વધતા કેસોને જોતા ભારતીય નાગરિકો અને વિદ્યાર્થીઓ તથા ત્યાં જતા ભારતીયોએ ઓટ્ટાવામાં ભારતીય હાઈકમિશન અથવા ટોરોન્ટો અને વાનકુંવરમાં કોન્સ્યુલેટ જનરલની તેમની સંબંધિત વેબસાઈટ્સ અથવા મદદ પોર્ટલ પર પોતાની નોંધણી કરાવવી જોઈએ. આ રીતે નોંધણી કરાવવાથી ભારતીય હાઈ કમિશન અને કોન્સ્યુલેટ જનરલ માટે ઈમર્જન્સી અથવા જરૂરિયાતના સમયમાં તેમનો વધુ સારી રીતે સંપર્ક કરવો શક્ય બનશે.

કેનેડામાં કથિત ‘ખાલિસ્તાન તરફી જનાદેશ’ અંગે ભારતીય નાગરિકોએ આકરા પ્રતિભાવો આપતાં કહ્યું હતું કે, મિત્ર દેશમાં જ કટ્ટરપંથી તત્વોને રાજકારણ પ્રેરિત આવી પ્રવૃત્તિઓની મંજૂરી અપાય તે ખૂબ જ વાંધાજનક બાબત છે. આ ઘટનાના બીજા દિવસે ભારતીય વિદેશ મંત્રાલયે આ એડવાઈઝરી જાહેર કરી હતી.
વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગચીએ જણાવ્યું કે ભારતે કેનેડિયન ઓથોરિટી સમક્ષ ડિપ્લોમેટિક ચેનલ મારફત ‘ખાલિસ્તાન તરફી જનાદેશ’નો મુદ્દો ઉઠાવ્યો છે. તેમણે ખાલિસ્તાન તરફી જનાદેશની કથિત કવાયતને બનાવટી ગણાવી હતી. કેનેડા ભારતના સાર્વભૌમત્ત્વ અને પ્રાદેશિક અખંડિતતાનું સન્માન કરવાની વાત કરે છે, પરંતુ એક મિત્ર દેશમાં કટ્ટરવાદી તત્વોને રાજકારણ પ્રેરિત આવી પ્રવૃત્તિઓની મંજૂરી અપાય તે જ ખૂબ વાંધાજનક હોવાનું તેમણે ઉમેર્યું હતું.

ખાલિસ્તાન’જનમતસંગ્રહ’થી બંને દેશો વચ્ચે વિવાદ

કેનેડાના કેટલાંક ગ્રૂપે 19 સપ્ટેમ્બરે કેનેડાના બ્રેમ્પ્ટન શહેરમાં અલગતાવાદી કાર્યક્રમમાં ભાગ લીધો હતો. ભારતે તેનો કડક વિરોધ નોંધાવ્યો હતો અને જણાવ્યું હતું કે ત્રાસવાદી તત્વોની રાજકારણ પ્રેરિત કવાયતને કેનેડા જેવા મિત્ર દેશોએ મંજુરી આપવી જોઇએ નહીં. બાગચીએ જણાવ્યું હતું કે કેનેડામાં કથિત ખાલિસ્તાન રેફરન્ડમને સપોર્ટ કરતાં ત્રાસવાદીઓ અને કટ્ટરવાદી તત્વોએ હાસ્યાસ્પદ કવાયત યોજી હતી. ડિપ્લોમેટિક માધ્યમો મારફત કેનેડાના સત્તાવાળા સમક્ષ આ મુદ્દો ઉઠાવવામાં આવ્યો છે. કેનેડાની સરકારે જણાવ્યું છે તે તે ભારતના સાર્વભોમત્વ અને અખંડિતતાનું સન્માન કરે છે.

કેનેડામાં 2014ની તુલનાએ વંશીય હેટ ક્રાઈમમાં 182 ટકાનો વધારો

સ્ટેટિસ્ટિક્સ કેનેડાએ આપેલી માહિતી અનુસાર એ દેશમાં હેટ ક્રાઈમની ઘટનાઓમાં 2014 પછી 159 ટકાનો વધારો નોંધાયો હોવાનું પોલીસના અહેવાલમાં જણાવાયું છે.2021માં કેનેડાના જે શહેરોમાં હેટ ક્રાઈમની સૌથી વધુ ઘટનાઓ નોંધાઈ હતી, તેમાં ટોરોન્ટો (779), વાનકુવર (429), મોન્ટ્રીઆલ (260), ઓટાવા (260) તથા કાલ્ગેરી (139)નો સમાવેશ થાય છે.

વંશીય હેટ ક્રાઈમ્સમાં પણ 2014 પછીથી ગયા વર્ષ સુધીમાં સ્ટેટિસ્ટિક્સ કેનેડાના માહિતી અનુસાર 182 ટકાનો વધારો થયો છે, તો 2020 પછી આવા બનાવોમાં 27 ટકાનો વધારો થયો છે.

કેનેડીઅન સેન્ટર ફોર જસ્ટીસ એન્ડ કોમ્યુનિટી સેફટી સ્ટેટિસ્ટિક્સની માહિતી મુજબ યુકોન સિવાય તમામ પ્રાંતો અને ટેરીટરીઝમાં 2021માં હેટ ક્રાઈમની ઘટનાઓમાં વધારો થયો છે. યુકોનમાં તેની સંખ્યા સ્થિર રહી છે.ધર્મના આધારે (યહુદીઓ, મુસ્લિમો અને કેથોલિક્સ સહિત) હેટ ક્રાઈમનો ટાર્ગેટ બનાવવાના બનાવોમાં 67 ટકાનો તેમજ જાતિય (મહિલા કે પુરૂષ) આધારે હેટ ક્રાઈમના બનાવોમાં 64 ટકાનો વધારો થયો હતો, જ્યારે વંશીય આઘારે ટાર્ગેટ કરાયાના કિસ્સાઓમાં 6 ટકા જેટલો વધારો થયો હતો.

વંશીય આધારે હેટ ક્રાઈમના ટાર્ગેટ બનાવવાના કિસ્સામાં 2021માં દક્ષિણ એશિયાના સમુદાયો સામેના બનાવોમાં 21 ટકાનો વધારો થયો હતો, 2019માં આવા 81 બનાવો નોંધાયા હતા, તો 2021માં તેની સંખ્યા વધીને 164 થઈ હતી. આરબ કે પશ્ચિમ એશિયન સમુદાયને લોકોને ટાર્ગેટ કરવાના બનાવોમાં પણ વધારો નોંધાયો છે.
કેનેડામાં 16 લાખ જેટલા ભારતીયો કે ભારતીય કેનેડીઅન લોકો વસે છે.

LEAVE A REPLY