અયોધ્યામાં ભગવાન રામ 8 ફૂટ ઊંચા સોનાથી મઢેલા માર્બલના સિંહાસન પર બિરાજમાન થશે. આરસનું સિંહાસન રાજસ્થાનમાં કારીગરો તૈયાર કરી રહ્યાં છે અને તે 15 ડિસેમ્બર સુધીમાં અયોધ્યા પહોંચશે. આ સિંહાસન રામ મંદિરના ગર્ભગૃહમાં મૂકવામાં આવશે, એમ શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના સભ્ય અનિલ મિશ્રાએ જણાવ્યું હતું.
અયોધ્યામાં આગામી વર્ષમાં રામ જન્મભૂમિ પર રામ મંદિરનું નિર્માણ પૂર્ણ થઈ જશે અને જાન્યુઆરીમાં મૂર્તિનો પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ યોજાશે. તેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઉપસ્થિત રહેશે. અત્યારે આ ભવ્ય મંદિર માટે જોરશોરથી કામકાજ ચાલી રહ્યું છે.
શ્રી રામની ભવ્ય મૂર્તિ માટે દેશવિદેશના ભક્તોએ ઉદાર હાથે દાન આપ્યું છે. તેમાં ઘણા લોકોએ ગોલ્ડ અને સિલ્વરની ચીજો ભેટમાં આપી છે. આ મેટલને પીગાળીને પછી તેનો ઉપયોગ કરવામાં આવશે. શ્રી રામ મંદિરના પ્રથમ ફ્લોરનું કામ લગભગ 80 ટકા પૂર્ણ થઈ ગયું છે. ગર્ભગૃહનું નિર્માણ પણ થઈ ગયું છે. મંદિરના અન્ય એરિયાનું કામકાજ ચાલુ છે.