પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાન ખાને રવિવાર (21 માર્ચે) જાહેરમાં ભારતની વિદેશ નીતિની પ્રશંસા કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, “આપણા પાડોશીની વિદેશ નીતિ તેના નાગરિકો માટે છે. ભારત ક્વોડનું સભ્ય છે, પણ પ્રતિબંધો છતાં તે રશિયા પાસેથી ક્રૂડ ખરીદી રહ્યું છે.”
એક રેલીને સંબોધિત કરતા ઇમરાને જણાવ્યું હતું કે, “અમે પક્ષના બળવાખોર સાંસદોને માફ કરવા અને પક્ષમાં પાછા બોલાવવા તૈયાર છીએ.” પાકિસ્તાનને જનતાને સંબોધિત કરતા ઇમરાને યુરોપિયન યુનિયનની ઝાટકણી કાઢી હતી. ઇમરાને જણાવ્યું હતું કે, “યુરોપિયન યુનિયનના રાજદૂતો પાકિસ્તાન પર જે બાબતોના અમલનો આગ્રહ કરે છે એ જ બાબતો ભારતને કહેતા ગભરાય છે. જેમકે, યુક્રેન પર રશિયાના હુમલાની નિંદા.” આ સભામાં મહત્વની વાત એ હતી કે, ઇમરાને જાહેરમાં ભારતની પ્રશંસા કરી હતી.
ઇમરાને જણાવ્યું હતું કે, “હું ભારતને સલામ કરું છું. તેમણે હંમેશા એક આઝાદ વિદેશ નીતિનું અનુસરણ કર્યું છે. ઇમરાને આ જાહેર સભામાં પીટીઆઇના બળવાખોર સાંસદોને સંબોધતા જણાવ્યું હતું કે, સમગ્ર દેશ સમજશે કે સાંસદોએ ચોરોની તરફેણમાં મતદાન કરીને તેમની વિવેકબુદ્ધિ વેચી દીધી છે.” ઇમરાને તેના પક્ષના બળવાખોર સાંસદોને કારણદર્શક નોટિસ ફટકારી સાત દિવસમાં જવાબ માંગ્યો હતો.